એશિયા કપની જીત સાથે ઉભો થયો પ્રશ્ન — શું રમતને રાજકારણથી ખરેખર દૂર રાખી શકાય?
તમારો પાડોશી છેલ્લા પંચોતેર વર્ષથી તમારા વિરુદ્ધ સતત યુદ્ધ ચલાવી રહ્યો છે — સૈન્યની કાર્યવાહી દ્વારા પણ અને આતંકવાદ દ્વારા પણ. તમે આ બધું સહન કર્યું, હંમેશા પ્રતિસાદ ફક્ત આક્રમણના જવાબમાંજ આપ્યો. પરંતુ હવે, જ્યારે તમારા નિર્દોષ નાગરિકો રજાઓ માણતા હોય અને તેમના પરિવારની સામે તેમની હત્યા થાય, ત્યારે તમારી સંસ્કૃતિએ શીખવેલી સહનશીલતા કાયરતામાં પરિણમે — જો યોગ્ય પ્રતિસાદ ન અપાય તો. આ હવે વિવાદ નહીં, યુદ્ધ છે.
બહિષ્કારની વાત સરળ છે પણ વાસ્તવિકતા? વારંવાર કહેવામાં આવે છે કે રમત અને રાજકારણને એકબીજાથી દૂર રાખવા જોઈએ. પણ આ સલાહ આપવી સહેલી છે, અનુસરવી કઠિન છે. જ્યારે તમારો દેશ પોતાના જ નાગરિકોના રક્તથી રંજાઈ રહ્યો હોય, ત્યારે મેદાનમાં દુશ્મન સાથે હાથ મિલાવવો વ્યર્થ લાગે છે. આવી સ્થિતિમાં રમત આપમેળે ગૌણ બની જાય છે. આપણે કહી શકીએ કે “દુશ્મન સામે ન રમવું” એ જ ઉકેલ. ન તમારી ટીમ મોકલવી, ન તેમની આવકારવી. દ્વિપક્ષીય મુકાબલામાં આ શક્ય છે, પણ બહુદેશીય સ્પર્ધાઓમાં મુશ્કેલ. સ્પર્ધામાં ભાગ ન લેવાથી તમે સ્પષ્ટ સંદેશો જરૂર આપો છો, પણ સાથે ખેલાડીઓને તેમની તકથી વંચિત પણ કરો છો. સ્પર્ધા નબળી પડી જાય છે અને રમતનો મૂળ હેતુ — સ્પર્ધા — અપૂરતો રહે છે.
આજની રમત માત્ર શોખ નથી; એ વૈશ્વિક ઉદ્યોગ છે. લાખો લોકોની આજિવિકા તેના પર આધારિત છે. અન્ય વ્યવસાયો કરતા ખેલાડીઓની કારકિર્દી ખૂબ ટૂંકી હોય છે; તેથી દરેક તક તેમના માટે નિર્ણાયક હોય છે. જ્યારે આપણે ખૂબ સરળતાથી બહિષ્કારની સલાહ આપી દઈએ છીએ, ત્યારે આ હકીકત ભૂલી જઈએ છીએ. ભારતને આવી સલાહ ભારતની બહારથી બીજા દેશોના ખેલાડીઓ અને વિવેચકો તરફથી પણ ખૂબ મળી; એવા દેશો કે જેમનો ઇતિહાસ કહે છે કે તેઓ રાજકારણને રમતથી દૂર રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે! ઇંગ્લૈંડ અને ઓસ્ટ્રેલિયા, બન્ને જ્યારે માફક આવે ત્યારે રાજકારણ કરે અને માફક આવે ત્યારે સલાહ આપે! આ તેમના માટે સ્વભાવગત વાત છે. આ બન્ને દેશોને આતંકવાદનો અનુભવ ભારતના પ્રમાણમાં ઘણો ઓછો છે. પોતાની ધરતી ઉપર યુદ્ધ થાય ત્યારે સાચો અનુભવ થાય. કહે છે ને કે જ્યાં સુધી પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી સલાહ આપવી સરળ છે!
ભારત માટે તાજા સંજોગોમાં એક સહેલો જવાબ હતો — ભારતે એશિયા કપમાં ભાગ ન લેવો જોઈએ. ભારતમાં રાજકીય વિરોધીઓએ એ જ માગણી કરી, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યાં, ટીવી તોડ્યાં. પરંતુ તેમણે પરિણામો વિચાર્યા? ભારત વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું ટૂર્નામેન્ટ ચલાવવું મુશ્કેલ બને, કારણ કે મોટાભાગના સ્પોન્સર ભારતીય બજાર પર આધારિત છે. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના વિશ્લેષકો વારંવાર ભારતને “વિશ્વ ક્રિકેટનો મોટો ભાઈ” હોવાના અને તે પ્રમાણે તેમનો અભિગમ અપનાવવાની સલાહ આપતા રહેતા હોય છે. આ સંજોગોમાં ભારતની હાજરી અનિવાર્ય છે.
બીજી તરફ, પાકિસ્તાનને આથી લાભ માત્ર છે — તેની ક્રિકેટ વ્યવસ્થા ભારતીય દર્શકો અને સ્પોન્સરોના પૈસાથી ચાલે છે, ભલે તેનું રાજકીય તંત્ર આતંકવાદને ટેકો આપતું રહે. આ વિપરીત પરિસ્થિતિમાં ભારત અને BCCI માટે વિકલ્પો ખૂબ મર્યાદિત રહી જાય છે. છતાં ભારત સરકારે વિસ્તારપૂર્વક વિચાર કરીને ભારતની ટીમને એશિયા કપમાં ભાગ લેવાની મંજૂરી આપી.
પણ ખેલાડીઓ નું શું?
ખેલાડીઓ કરારબદ્ધ વ્યાવસાયિકો છે; પોતાના નિર્ણયથી મેચ ન રમવાનું પસંદ કરી શકતા નથી. તેથી તેમની લાગણીઓને વ્યક્ત કરવાની એક માત્ર રીત પ્રતીકાત્મક હતી — દુશ્મન સાથે હાથ ન મિલાવવો. આ હાવભાવ તેમની અંદરની વેદનાનું પ્રતિબિંબ હતું. સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ તેને “અનૈતિક” અને “ખેલભાવના વિરુદ્ધ” ગણાવી દીધું. પરંતુ આ એ જ લોકો છે, જે પોતાના હિતમાં રાજકારણને રમતમાં ઘૂસાડી દેતા બિલકુલ અચકાતા નથી, અને તક મળે ત્યારે ઉપદેશ આપવાનું પણ ચુકતા નથી કે “રમતને રાજકારણથી દૂર રાખો.”
પુરસ્કાર વિતરણ દરમિયાન પાકિસ્તાનના આંતરિક મંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસિન નકવી ભારતના વાંધા છતાં પોતે ટ્રોફી આપવા તત્પર રહ્યા. તેટલુજ નહીં, પણ જો ભારતીય ટીમ તેમની ઈચ્છા વિરુદ્ધ જાય તો તેમને ટ્રોફી અને પદક આપવાની ધરાર ના કહી ટ્રોફી લઈ પોતાની હોટેલ ચાલ્યા ગયા! જાણે ટ્રોફી તેમના બાપની જાગીર હોય! મેં આવી બાલિશ વર્તણુંક અત્યાર સુધી કોઈ પણ પ્રશાસક તરફથી જોઈ નથી. તે ભલે નાનામાં નાની સ્પર્ધા હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર ની. એક સાચા પ્રશાસક માટે ખેલનો આત્મા સર્વોચ્ચ હોવો જોઈએ — પોતાનો અહંકાર નહીં. વિજેતાઓને તેમના પદક અને તેમનું સન્માન મળે તે વાત વધુ અગત્યની છે, કોણ ટ્રોફી આપે તે નહીં. નકવી ઈચ્છતા તો વિવાદ ટાળી શકતા, પણ તેમણે રાજકીય નાટકને પસંદ કર્યું. પરિણામે, રમતની પ્રતિષ્ઠાને નુકસાન થયું. અને આ વિવાદ માટે માત્ર ભારતને દોષ દેનારા, દેશની બહાર કે દેશની અંદર; ક્યાં તો પોતાની આંખે પાટા બાંધી ચાલનારા છે કયા તો નકરા દંભી!
આ તમામ નાટક છતાં ભારતે એશિયા કપમાં નવમી વાર વિજય મેળવ્યો. ટ્રોફી વ્યક્તિગત રીતે ન મળવી તે એટલું નુકસાન નથી, જેટલું ACC અને તેના પ્રમુખના વર્તનથી રમતની ગરિમાને પહોંચ્યું છે. ભારતે કંઈ ગુમાવ્યું નથી — પરંતુ રમતને ઘણું ગુમાવવું પડ્યું છે.
આગળ શું?
આ પ્રસંગ કદાચ એશિયન ચેમ્પિયનશિપ માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. મારુ માનવું છે કે આ સ્પર્ધા હવે મૃતપ્રાય થાય અથવા થોડા દશકો પૂરતી સ્તગીત થાય. ACC પણ વિલંબિત પરિસ્થિતિમાં રહેશે. પાકિસ્તાનમાં પણ હવે એવી માંગ ઉઠશે કે તેઓ ભારત સામે ન રમે. વારંવાર હારની પીડા એક કારણ જરૂર હશે, પણ ભારતના કડક વલણના કારણે તથા બળતામાં ઘી હોમવા જેવી મોહસિન નકવીની બાલિશ હરકતના કારણે સામાન્ય લોકોને થયેલી અપમાનની લાગણી એ મોટું કારણ બનશે. મારી દ્રષ્ટિએ આ સૌથી વધુ અગત્યની વાત છે. અત્યાર સુધી ભારત એક ગાલ પર તમાચો ખાઈને બીજો ગાલ ધરતું રહ્યું હતું અને પાકિસ્તાન ભારતના તંત્રને જીભ બતાવીને લલકાર્યા કરતું હતું. લાંબા સમયથી રમવું કે નહીં તે નિર્ણય લેવાની જવાબદારી માત્ર ભારત પર હતી. હવે પહેલી વાર પાકિસ્તાનના વહીવટી તંત્રને પોતાના લોકોના દબાણનો અને ભારત સામે રમવાના નિર્ણય સામે વિરોધનો સામનો કરવો પડશે. પગ નીચે રેલો આવી રહ્યો છે. પાકિસ્તાન માટે આ એક નવી પરિસ્થિતિનું નિર્માણ છે તેવું મારુ માનવું છે. જોકે પાકિસ્તાનમાં સામાન્ય અવામને ભાગ્યે કોઈ સાંભળતું હશે. પણ હું માનું છું કે નકવીના આ નાટકથી, અંદરખાનેથી ત્યાંનો નિર્ણાયક સમુદાય પણ નાખુશ હશે. નકવી ભલે ભારતને ટ્રોફી ના લેવા દઈને ખુશીથી ફુલાતા હોય; ભલે તેમના સોશિયલ મીડિયાના કલાકારો સાચી પરિસ્થિતિ છુપાવવા પ્રયત્નશીલ રહે. હકીકતે તો પાકિસ્તાનના ક્રિકેટતંત્રને એક તમાચો કદાચ પહેલી વાર લાગ્યો છે, જે વાત અત્યારે નહીં પણ થોડા સામે બાદ તેમનાજ ચાહકો કહેશે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે; મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી! આ ટંગડી ક્યાં સુધી ઊંચી રહે છે, તે સમય કહેશે..
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાજેતરમાં રમાયેલી પાંચ ટેસ્ટની શૃંખલા પટૌડી ટ્રોફી કે જે હવે ‘એન્ડરસન – તેંડુલકર ટ્રોફી’ ના નામે ઓળખાય છે, તેના જેવી ધમાકેદાર ટેસ્ટ ક્રિકેટની જાહેરાત બીજી કોઈ હોઈ ના શકે . પાંચે પાંચ ટેસ્ટ મેચો પાંચમા દિવસ સુધી ચાલી અને શ્રેણીના છ અઠવાડીયા દરમ્યાન શ્ર્વાસ થંભાવી દે તેવી ક્રિકેટની રમત જોવા મળી. આ શ્રેણીની નવા નામકરણ બાદની આ પ્રથમ આવૃત્તિ હતી, જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખાશે. નવા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રની પોતાની પહેલી શ્રેણીમાં ઇંગ્લેન્ડ અને મહેમાન ભારત — બંનેએ તમામ પાંચ ટેસ્ટમાં જબરદસ્ત લડાયક રમત નું પ્રદર્શન કર્યું. મુકાબલો ૨-૨ થી ડ્રૉ રહ્યો પણ મને ખાત્રી છે કે બંને ટીમો અને તેમના ચાહકવર્ગ ને આ મુકાબલો જીત માં થી હારમાં પરીણમ્યો તેવી લાગણી થઇ હશે….હાથકો આયા પર મુંહકો ના લગાયા! છેલ્લી ટેસ્ટના છેલ્લા દિવસે છેલ્લી વીકેટ અને માત્ર 6 રનનું છેટું રહ્યું હતું શ્રુંખલાના પરિણામથી! ભારતના ઝડપી બોલરોએ અને ખાસ કરીને મોહમ્મદ સિરાજે તેમની ક્રિકેટની જિંદગીની સર્વોત્તમ બોલિંગનું પ્રદર્શન કર્યું. પ્રસિધ્ધ ક્રિશ્ના અને આકાશ દીપે, સિરાજને બરાબર સાથ આપ્યો અને સમયાનુસાર ઇંગ્લેન્ડ ની ભાગીદારીઓ તોડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. દુનિયાના સર્વશ્રેષ્ઠ બોલર જસપ્રીત બૂમરા જે આ ટેસ્ટ રમી ના શક્યા, તેમની ગેરહાજરી, પ્રમાણમાં નવી કહેવાય તેવી આ બોલિંગ ની ટુકડીએ લાગવા ના દીધી! ભારતની ટીમના ચાહકો આ છેલ્લી ટેસ્ટનો વિજય એટલાંજ વર્ષો વાગોળશે જેટલાં વર્ષો ઇંગ્લેન્ડના ચાહકો આ હારની ટીસ અનુભવતા રહેશે. છેલ્લી ટેસ્ટ એટલી રોમાંચક રહી કે તેની લાગણીના પૂરમાં આગલી ચાર ટેસ્ટની કાંટાની ટક્કર ભૂલી જવાય. આ શ્રેણી કોઈ સુપર હિટ ફિલ્મ જેવી રહી, જે મને ખાત્રી છે કે વર્ષો પછી પણ આખા ક્રિકેટ જગતમાં અત્યંત સફળ તેવી શ્રેણીઓમાંની એક,તેવી ગણાશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિ અશ્વિન જેવા ત્રણ દિગ્ગજોની નિવૃત્તિ બાદ ભારતની ટીમ થોડાં અનિશ્ચિત અને બદલાવના માહોલમાં હતી. ટીમની કમાન પ્રથમ વખત યુવા કૅપ્ટન શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી હતી, જેમણે ઇંગ્લેન્ડમાં અત્યાર સુધી માત્ર એક જ ટેસ્ટ રમી હતી. અનેક નિષ્ણાતો માનતા હતા કે સારી રીતે સ્થિર થયેલી ઇંગ્લિશ ટીમ મહેમાનોને સરળતાથી હરાવી દેશે. ભલે ઇંગ્લેન્ડનું તેજ બોલિંગ આક્રમણ છેલ્લા વર્ષો કરતાં થોડું બદલાયેલું હોય, પરંતુ એ કોઈ ચિંતા નહોતી — ખાસ કરીને જ્યારે કૅપ્ટન બેન સ્ટોક્સ બોલિંગ માટે તંદુરસ્ત અને તૈયાર હતા.
ભારત તરફથી ટોચના ક્રમમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી અનુભવી બેટ્સમેન કે.એલ. રાહુલ ઓપનર તરીકે ઉતર્યા, જ્યારે કૅપ્ટન ગિલે મહત્વનો ચોથો ક્રમ સંભાળ્યો. યશસ્વી જયસ્વાલ પહેલેથી જ ઓપનિંગમાં મજબૂત સ્થાન બનાવી ચૂક્યા હતા અને ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે શાનદાર શ્રેણી રમી ચૂક્યા હતા, છતાં આ તેમની ઇંગ્લેન્ડની પહેલી જ સફર હતી. ભારતના પ્રમાણમાં નવા અને ઇંગ્લેન્ડના વાતાવરણ માટે બિનઅનુભવી તેવા બેટિંગ ક્રમાંક માટે આ ખૂબ મોટો પડકાર હતો. આ કારણે જ મહત્તમ વિવેચક અને ચાહકવર્ગની માન્યતા હતી કે ભારતની ટીમ માટે આ શ્રેણી જીતવી અશક્ય છે. તદઉપરાંત, ભારતના વિજય માટે જે સૌથી વધુ મહત્વનું અંગ ગણાય તેવા ઝડપી બોલર બૂમરા માત્ર ત્રણ ટેસ્ટ રમવાના હતાં તેવી ઘોષણા બીસીસીઆઇ દ્વારા શ્રેણીની શરૂઆતમાંજ કરવામાં આવી હતી. સૌથી મોટા હથિયાર વગર લડાઈ જીતવી તે લોઢાના ચણા ચાવવા બરાબર હતું. બૂમરા જેવો ખેલાડી માત્ર વિકેટો જ નથી ખેરવતો; તેની હાજરી માત્ર પ્રતિસ્પર્ધી ઉપર દબાવ વધારવામાં અગત્યનો ભાગ ભજવે છે. ક્રિકેટની રમત ખેલાડી જેટલી શરીરની શક્તિથી જીતે છે તેથી ઘણી વધુ મનની શક્તિથી જીતે છે. આ શ્રેણી આ વાતનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ છે.
પાંચમી ટેસ્ટના આંચકપૂર્ણ પરિણામ બાદ આગલી ચાર ટેસ્ટ મેચોમાં જે રસાકસીની રમત થઈ તે કોઈના માનસપટ પરથી ભુસાઈ જાય તે વાત નવાઈ પમાડે તેવી નથી. અને આ પરિણામને બન્ને પક્ષ માટે હું આંચકાજનક માનું છું. ઇંગ્લૅન્ડના ચાહકો માટે વિજયનો પ્યાલો હોઠ પાસે આવીને છીનવાઇ ગયો જ્યારે ભારતના ચાહકો માટે, મૃતપ્રાય થયેલી ટેસ્ટ અને શૃંખલમાં જાણે ચમત્કારિક રીતે પ્રાણ ફૂંકાયો! છેલ્લા દિવસની રમત શરૂ થઈ ત્યારે ઇંગ્લૅન્ડને માત્ર ૩૫ જ રનની જરૂર હતી અને હજુ તેમની પાસે ૪ વિકેટો હતી. અને દિવસના પહેલાં બે જ બોલમાં આ લક્ષ્ય ઘટીને ૨૭ થઈ ગયું ત્યારે ભારતની ટીમના, ભલભલા આશાવાદી ચાહકોએ પણ જીતની આશા છોડી દીધી હતી. પણ આજ સમયે ખેલાડીઓની માનસિક શક્તિનું સાચું પરીક્ષણ થાય છે. અને જેટલો આશાવાદ ભારતના ખેલાડીઓમાં જીત માટે દેખાયો કદાચ તેટલીજ અનિશ્ચિતતા અને ગભરાટ ઇંગ્લૅન્ડના પૂછડિયા ખેલાડીઓમાં દેખાયો. જોકે એમ કહેવું પડે કે તેમના એક ઓલ રાઉંડર ખેલાડી ક્રિસ વોંકસના ઇજાગ્રસ્ત હોવાથી તેની ખોટ મોંઘી સાબિત થઈ. પણ જ્યારે ઇંગ્લૅન્ડનો જુમલો માત્ર ૩ વિકેટે ૩૦૧ રનનો હતો અને તેઓ વિજયથી માત્ર ૭૫ રનની દૂરી પર હતાં તથા તેમના બે બેટધરો લગભગ ૨૦૦ રનની ભાગીદારી નોંધાવી, ભારતની બોલિંગ ઉપર સંપૂર્ણપણે હાવી થઈ ગયા હતાં, ત્યારે ભારતના બોલરોએ તેમની આશા છોડી ન હતી. ઇંગ્લૅન્ડ માટે ટેસ્ટ અને શ્રેણી જીતવી તે હવે માત્ર એક ઔપચારિક વાત હતી. પણ ઘણી વખત અનપેક્ષિત સરળતા વ્યક્તિને ધ્યાન ભુલાવી દે છે. મારી દ્રષ્ટિએ રમતે આ ક્ષણે એક મોટો પલટો ખાધો અને તેના આચકમાંથી ઇંગ્લૅન્ડ બહાર નીકળી ના શક્યું. ભારત માટે તો ડૂબતાંને તીનકાનો સહારો તેવી ચોથી વિકેટ જે ભારતને હેરી બ્રૂક દ્વારા એક અનપેક્ષિત ભેટ રૂપે મળી, અને ત્યારબાદ ઇંગ્લૅન્ડના બૅટિંગ ક્રમાંકમાં અચાનક માનસિક પરિવર્તન દેખાયું, તેણે ભારતના ખેલાડીઓને અને ખાસ કરીને મોહમ્મદ સિરાજને બાજી પલટી નાખવામાં ખૂબ મદદ કરી. આ માટે ભારતીય ટીમ અને ખાસ કરીને તેમની બોલિંગ ટુકડીએ જે લડાયક મનોવૃત્તિ બતાવી તેની સરાહના કરવી રહી. હાથમાં આવેલી એક નાની અમથી તક પણ શી રીતે સંપૂર્ણ સફળતામાં પરિવર્તિત કરી શકાય, તેનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ આખી ટેસ્ટ મેચ અને ખાસ કરીને ચોથી ઇનિંગ, કેમ ટેસ્ટ ક્રિકેટ, ટેસ્ટ એટલેકે એક પરીક્ષણ કહેવાય છે, અને તે શા માટે ક્રિકેટની રમતમાં માનસિક શક્તિની ચરમસીમાનું પ્રતિક છે, તેનું જ્વલંત ઉદાહરણ છે. સદીઓ સુધી આખી દુનિયામાં ક્રિકેટના રસિયાઓ અને ક્રિકેટના કોચ, આ ચોથી ઇનિંગ નું વિશ્લેષણ કરતાં રહેશે. આ ટેસ્ટ અને શ્રેણી ઊગતા ખેલાડીઓને માટે એક અભ્યાસક્રમ સમાન બની રહેશે, બન્ને પરિસ્થિતિઓ માટે; શી રીતે છેલ્લા બોલ સુધી વિજય માટે આશા ના છોડવી અને શી રીતે જ્યાં સુધી વિજય નથી મળ્યો ત્યાં સુધી લક્ષ્ય ઉપરથી બેધ્યાન ના થવું! ભારતના બોલરોએ જે છેલ્લા બોલ સુધી લડી લેવાની મનોશક્તિનું પ્રદર્શન કર્યું તે માત્ર તેમની વ્યક્તિગત પ્રગતિ જ નહીં પણ ભારતની બિનઅનુભવી ટીમ માટે પણ એક શક્તિવર્ધક ઔષધ તરીકે કામ કરશે તેમાં મને કોઈ શંકા નથી. જ્યારે પણ કોઈ ટીમ દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ નવેસરથી પોતાની ઓળખ સાબિત કરવાના પ્રયાસમાં હોય ત્યારે આવા પરિણામ એક ઐશ્વરીય સંકેત હોય છે.
આદર્શ રીતે, જ્યારે શૃંખલા પૂરી થાય ત્યારે નફા નુકસાન નો હિસાબ માંડવો પડે છે. પણ આવા ઉત્તેજનાપૂર્ણ પરિણામ બાદ ભારતીય ટીમ, ચાહકો અને સંચાલકોમાં અતિ ઉલ્લાસની લાગણી હોય તે સ્વાભાવિક છે. ભારતીય પત્રકાર વર્ગ અને સોશિયલ મીડિયા પણ ૨-૨ ના પરિણામને વિજય માનીને હરખાઈ રહી છે, ત્યારે શ્રેણીનું પરિણામ કેટલા અંશે વ્યાજબી કહેવાય, તે પ્રશ્ન પુછવો વ્યાજબી અને જરૂરી છે. હારેલી ટીમ આવા સંતુલિત પરિણામને હમેશ ઉચિત ઠેરવવાનનો પ્રયત્ન કરશે, અને જ્યારે આ ટીમ ઇંગ્લૅન્ડ હોય ત્યારે તો ખાસ. પોતાની હારને પણ કેવી ચતુરાઈથી વિજયમાં બતાવવી તેમાં ઇંગ્લૅન્ડના પત્રકારો અને ચાહકોનો જોટો જડવો મુશ્કેલ છે. હજુ સુધી એક પણ ઇંગ્લૅન્ડના પત્રકારે આવી હાથમાં આવેલી બાજી હારવી તે માનસિક ગભરાટનું પરિણામ હોવું તથા ‘બાઝબોલ’ ના નગારા હેઠળ કોઈ પણ પરિસ્થિતિમાં માત્ર આક્રમક રમતજ રમવી તેવી મનઃસ્થિતિનું પરિણામ હોવું, તે કબૂલ્યું નથી. હેરી બ્રૂકની કબૂલાત કે તેની અકાળે આપી દીધેલી વિકેટ ટીમને ભારે પડી ગઈ, તે એક માત્ર અંદેશો છે. મને ખાતરી છે કે અંગ્રેજો ટીમ મહી આવી ચર્ચા ખુલ્લે આમ કરશે અને ક્યાં શી રીતે ભૂલો થઈ તેનો હિસાબ જરૂર માંડશે; પણ જાહેરમાં કબૂલાત કરવી તે તેમના લોહીમાં નથી. અને ખાસ કરીને જ્યારે થોડાજ મહિનામાં તેઓ એશિસનો જંગ લડવા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાના છે ત્યારે તો એક એક શબ્દ તોલી તોલીને બોલવું તે તેમની રણનીતિ રહી છે.
ભારતના પક્ષે, નફા નુકસાન નો હિસાબ થોડો સરળ છે. શૂભમન ગિલ માટે એક સૌથી મોટી સકારાત્મક વાત એ હતી કે તેમના ઉપર જીતની અપેક્ષા તેમના પહેલાં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલ કપ્તાનો, વિરાટ કોહલી અથવા રોહિત શર્મા કરતાં ઘણી ઓછી હતી. નવોદિત અને બિનઅનુભવી કપ્તાનના નેજા હેઠળ, દિગ્ગજ ખેલાડીઓની નિવૃત્તિ બાદ, ઇંગ્લૅન્ડનો પાંચ ટેસ્ટમાં પડકાર ઝીલવો અને વિજયી બનીને આવવું તેવી અપેક્ષા જવલ્લેજ કોઈ રાખતું હતું. મારા હિસાબે, આ ભારતની ટીમ કદાચ ૩-૧ અથવા ૪-૧ થી પરાજિત થઈ ને પરત થઈ હોત તો પણ પત્રકાર અને સોશિયલ મીડિયા તેને કબૂલી લેત. એટલા માટેજ, ૨-૨ ની બરાબરી શ્રેણી ના વિજય બરાબર લાગે છે. પણ શું આ લાગણી હોવી, તે માત્ર છેલ્લી ટેસ્ટના ચમત્કારિક વિજયના કારણે જ છે?
હું માનું છું કે આ ભારતીય નવોદિત ખેલાડીઓની ટીમે એવા ઘણા પ્રમાણ આ શૃંખલા દરમ્યાન આપ્યા છે કે જે છેલ્લી ટેસ્ટના વિજયની પૃષ્ઠભૂમિમાં રહેલા હોવાથી, આ વિજયને વધુ સ્વીકાર્ય બનાવે છે. આ શ્રેણીમાં ઘણા નવા વિક્રમ સ્થાપિત થયા જેના અહેવાલોથી સૌ વાકેફ છે, માટે તેમનું પુનરાવર્તન કરવાનો મારો ઇરાદો નથી. પણ કોઈ પણ કપ્તાન પોતાની પહેલી સંપૂર્ણ શ્રેણી ઇંગ્લૅન્ડમાં રમતો હોય અને સર ડોન બ્રેડમેનના શ્રેણીના કુલ ૮૧૦ રનના વિક્રમને તોડવાની નજીક હોય તો તેનો ઉલ્લેખ ના કરવો તે એક ક્ષતિ લેખાશે. ચોથી ટેસ્ટ ના પહેલાં દાવમાં શૃંખલાની ચોથી સદી નોંધાવીને શૂભમન ગિલ આ વિક્રમ થી માત્ર ૧૦૦ રન દૂર હતાં અને બીજી શક્ય ત્રણ ઇનિંગ્સ તેમના હાથમાં હતી. આખરે તેઓ આ વિક્રમથી ૫૬ રન દૂર રહી ગયા પણ તેમણે સોબર્સ, ગાવર, ગાવસ્કર અને ગૂચ જેવા મહાન ક્રિકેટરોના રેકોર્ડને આંબી બ્રેડમેન પછી બીજું સ્થાન લીધું તે એક ખૂબ મોટી સફળતા કહેવાય. ગિલના આ રનોના વરસાદમાં ભારતના બીજા પાંચ બેટધરોનું પ્રદર્શન એટલું પ્રસિદ્ધિ પામી ના શક્યું. રાહુલ અને જાડેજાએ ૫૦૦+ રન બનાવ્યા જ્યારે પંત અને જૈસવાલે ૪૦૦+ રનોનો ફાળો આપ્યો. વોશિંગ્ટન સુંદર એક પ્રતિભાશાળી ઓલ રાઉંડર તરીકે પ્રસ્થાપિત થયા અને પોતાની કારકિર્દીની પહેલી સદી નોંધાવી. ભારત પક્ષે કુલ ૧૨ સદીઓ નોંધાઈ જે એક અનપેક્ષિત વિક્રમ કહેવાય. બન્ને પક્ષે, રનોનો ધોધ વરસ્યો. મોટે ભાગે ઇંગ્લૅન્ડમાં પહેલી ઇનિંગનો ૩૫૦ રનનો સ્કોર પ્રતિસ્પર્ધી માટે પડકારરૂપ ગણાય. આનું કારણ ખાસ કરીને ઇંગ્લૅન્ડની ઘાસ વાળી પિચ, વાદળછાયું વાતાવરણ અને તેમનો ડ્યૂક બોલ, જે સ્વિંગ બોલિંગને ખૂબ મદદરૂપ બની રહે છે. પણ છેલ્લા થોડા સમયથી, અને ખાસ કરીને જ્યારથી ઇંગ્લેન્ડે ‘બાઝબોલ’ નીતિ અપનાવી છે ત્યારથી તેમની પિચો થોડી બેટિંગને અનુરૂપ બની છે. આ વાત તેમના પ્રચારતંત્ર દ્વારા ખૂબ કાબેલિયતથી અને કોઈ વખત અયોગ્ય કહેવાય તેવી રીતે બૅટિંગની પ્રશસ્તિ દ્વારા છુપાવવામાં આવે છે. જ્યારે થોડી ‘મસાલેદાર’ પિચ ઉપર તેમના બેટધારો નિષ્ફળ જાય, જેમ પાંચમી ટેસ્ટની પહેલાં દાવમાં અને બીજા દાવમાં ૭ વિકેટો માત્ર ૬૬ રનમાં, ત્યારે તેને અપવાદરૂપ ગણી ટાળવામાં તેમની કુનેહ દેખાઈ આવે છે. આવી, પ્રમાણમાં બેટિંગ માટે સરળ કહેવાય તેવી પિચો ઉપર આ શૃંખલા રમાઈ તે બોલિંગના રેકોર્ડ તપાસતા જણાઈ આવે છે. પાંચે પાંચ ટેસ્ટ મેચો પાંચમા દિવસ સુધી ચાલી, તે આજના સમયમાં લગભગ અસામાન્ય કહેવાય તેવી વાત છે. છેલ્લા દાવમાં પણ ટીમ ૩૫૦ થી વધુ ના લક્ષની નજીક સરળતાથી જઈ શકે તે ઇંગ્લૅન્ડના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અસાધારણ વાત કહેવાય. ભારત તરફથી, ઝડપી ગોલંદાજોએ ખૂબ મહેનત કરી અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટીમને હમેશા પ્રતિસ્પર્ધી સાથેજ હરીફાઈમાં રાખી. બૂમરા જેવા મેચ-વિનર બોલરની અનિયમિત ઉપલબ્ધિને કારણે દબાવમાં આવવાને બદલે તેને તકમાં ફેરવી ભારતને વિજય અપાવ્યો જે ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. આમાં ખાસ કરીને મોહમ્મદ સિરાજ ના જેટલા વખાણ કરી તેટલા ઓછા છે. તેમની આ શૃંખલા દરમ્યાન કામગીરીને બિરદાવવા યોગ્ય શબ્દો મળે તેમ નથી. આ શ્રેણીના ઘણા સકારાત્મક મુદ્દા છે જેની ચર્ચા વર્ષો સુધી ચાહક વર્ગ કરશે. પણ બન્ને પક્ષ માટે જો કોઈ ટીકા કરવી હોય તો તે છે બન્ને ટીમોની હવામાં ફિલ્ડિંગ. બન્ને ટીમોએ કુલ્લે ૪૦ કેચ છોડ્યા! ભારતે ૨૩ અને ઇંગ્લેન્ડે ૧૭. ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટમાંજ ૬ કેચ પડતાં મૂક્યા જે તેમને ભારે પડ્યા અને તેમના પત્રાકરોએ વગાડી વગાડીને આ વાતને ભારતની સુંદર બોલિંગ દ્વારા વિજયની અગત્યતાને ઓછી બતાવવાનો બાલિશ પ્રયત્ન કર્યો. પણ તેમણે એ ઉલ્લેખ કદાપિ ના કર્યો કે જો ભારતે પહેલી ટેસ્ટમાં ૬ કેચ અને બીજી બે ટેસ્ટમાં ૧૨ કેચ પડતાં મૂક્યા ના હોત તો ચોથી ટેસ્ટ આવતા પહેલાં, ભારતે આ શ્રેણી જીતી લીધી હોત. આ ત્રણ ટેસ્ટમાં ૧૮ કેચ છોડવાથી મારા હિસાબે ભારતે હાથમાં આવેલી શ્રેણી જતી કરી. વધુ વિશ્લેષણ માટે ક્રિકબઝ ના સુંદર લેખની લિન્ક આપું છું. (Unforced errors cost India a deserved series win in England). ખેર, જ્યાં રસાકસીની રમત હોય ત્યાં આંચકાજનક પરિણામો અને આઘાતજનક ભૂલો સાથેજ આવતી હોય છે. બધી વાતોની તુલના કરતાં બન્ને ટીમોને એવું લાગે કે તેમના હાથમાંથી વિજયકળશ છૂટી ગયો. આ વાત ભલે બન્ને ટીમો માટે હારજનક લાગે, પણ તેના કારણે જ ટેસ્ટ ક્રિકેટ જીત્યું તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ટેસ્ટ ક્રિકેટ, ઝિંદાબાદ!
English Translation
Long Live Test Cricket!
The recently concluded five-Test series between India and England—the Pataudi Trophy, now known as the “Anderson–Tendulkar Trophy”—was as explosive an advertisement for Test cricket as one could imagine. All five matches went to the fifth day, delivering breathless cricket over six weeks. This was the series’ first edition under its new name, one that will be etched in golden letters in Test cricket history. For their first series of the new World Test Championship cycle, both England and visiting India displayed remarkable fighting spirit across all five Tests. The 2–2 result might feel like both teams and their fans experienced a bittersweet outcome … the sense of having snatched defeat from the jaws of victory, or vice versa. Remarkably, on the final day of the last Test, the teams were separated by a single wicket and just 6 runs! Couldn’t have been any closer!
In the final innings, India’s fast bowlers—particularly Mohammad Siraj—delivered some of the best bowling performances of their careers. Prasidh Krishna and Akash Deep provided able support by breaking England’s partnerships whenever needed. Even with the absence of Jasprit Bumrah—the best bowlers in the world, who could not play in this Test—this relatively new Indian pace unit did not let the team miss him. Indian fans will cherish the final Test win for years, as England supporters will long feel the sting of that defeat. The last Test was so dramatic that it overshadowed the fierce contest of the preceding four tests. This was like a superhit film that, I am certain, will be regarded as one of the most compelling series in cricket history for years to come.
Following the retirements of legends Rohit Sharma, Virat Kohli, and Ravichandran Ashwin, the Indian team was in a period of transition and uncertainty. For the first time, the captaincy was handed over to Shubman Gill, who had played just one Test in England until then. Many experts felt that a well-settled England side would easily defeat the visitors—even though England’s pace attack has changed somewhat over the years, having Ben Stokes fully fit and ready to bowl meant there was nothing really to worry about from their perspective.
India underwent major changes at the top of the batting order. The most experienced batsman, KL Rahul, opened the innings, while newly appointed captain Gill took on the vital No. 4 position. Yashasvi Jaiswal had already established himself as a strong opener with a stellar home series against England, but this was his first tour of England. For a batting lineup that was still relatively new and inexperienced in English conditions, the challenge was immense. Consequently, most critics and fans believed that winning this series would be impossible for India. On top of that, the Board of Control for Cricket in India (BCCI) had already announced at the start of the series that Jasprit Bumrah—widely considered India’s most crucial weapon—would only be available for three of the five Tests. Trying to win a battle without your best weapon is like biting on iron bullets. Bumrah is not just about taking wickets; his very presence exerts immense pressure on the opposition. Cricket is won as much by mental strength as it is by physical prowess. This series served as a prime example of that.
After the stunning outcome of the fifth Test, one might almost forget the nail-biting cricket that occurred in the previous four matches. I call the result shocking for both sides: England supporters felt victory was snatched away from their very lips, while Indian fans witnessed a miraculous revival in what seemed like a lost Test—and series. On the final day, England needed only 35 runs with four wickets in hand. When they shaved off 8 runs in the first two balls of the day to bring the target down to 27, even India’s most optimistic Indian fan started losing hope. Yet high-pressure situations are where a player’s mental strength is tested, and India’s level of optimism for victory seemed to match the level of anxiety that crept into England’s lower order. Naturally, they sorely missed all-rounder Chris Woakes, who was injured.
Still, when England were on 301 for just three wickets—only 75 runs from victory—and two of their batters had already posted a partnership of nearly 200 runs, completely dominating the Indian bowling, the Indian bowlers refused to give up. England’s victory in that Test and the series seemed little more than a formality at that point. But sometimes apparent ease leads to carelessness. In my view, the match took a sharp turn here, from which England never recovered. For India, Harry Brook’s unexpected gift of his wicket gave them a ray of hope. It opened the door a crack which their bowlers slammed open. Suddenly, England’s batting ranks showed signs of panic, which suited India’s bowlers—especially Mohammad Siraj—perfectly in turning the tables. The Indian team, and particularly its bowling unit, deserves kudos for their fighting spirit. They showed exactly how to convert even the smallest opening into complete success. This entire Test match, especially that fourth innings, is a burning example of why Test cricket is called a “test” and why mental strength stands as the pinnacle of the sport. Cricket fans and coaches worldwide will analyze that fourth innings for decades to come. This Test and the entire series will serve as something to study for future players—for both scenarios: how to never lose hope until the last ball, and why not to lose focus on the target until it’s truly achieved. The Indian bowlers’ tenacity to fight right to the end will not only boost their own individual growth but will also act as a powerful tonic for the relatively inexperienced Indian team. Whenever a team is trying to reestablish its identity after the retirement of great players, triumphs like this are a godsend.
Ideally, once a series ends, it is customary to tally wins and losses. Yet after such an exhilarating finale, it is natural for the Indian team, their fans, and officials to be overjoyed. Indian journalists and social media are celebrating the 2–2 result like a victory. That raises the question: how reasonable is it to count this outcome as a win? A team that loses a series often claims that a tied result is fair, and with England, that is especially true. English reporters and fans are unmatched in their ability to spin a defeat into a victory. So far, not a single English journalist has admitted that their team choked, this was the result of stage fright or that the unwavering “Bazball” aggression under all circumstances led to their undoing. Harry Brook’s admission that his untimely wicket was costly for the team, is the only half-hint in that direction. I am sure the England team will discuss these mistakes internally, but public acknowledgment is not in their nature, especially with the Ashes in Australia only a few months away, where every public statement is weighed carefully.
From India’s perspective, the post-series assessment is somewhat simpler. For Shubman Gill, the biggest positive was that there were far fewer expectations on him than there would have been on more seasoned captains like Virat Kohli or Rohit Sharma on their previous tours of England. Under a new and inexperienced captain, with legends newly retired, almost no one expected India to return triumphant. Even if India had ended up losing 3–1 or 4–1, the media and social media fans would have accepted it. That is why a 2–2 tied series feels like a triumph. But is this perception merely a result of that miraculous victory in the last Test?
I believe this new Indian team provided plenty of evidence of its capabilities throughout the series—evidence that, though slightly overshadowed by the final Test’s heroics, makes that victory all the more credible. Many new records were set during this series; everyone is aware of them, so I’m not going to repeat them. However, it would be remiss not to mention about the Shubhman Gill, the captain playing a first full series in England, and nearly breaking Sir Don Bradman’s record of 810 runs across a series. After scoring his fourth century of the series in the first innings of the fourth Test, he was just 100 runs shy of that milestone, and still had potentially three innings to bat. In the end, he fell 56 runs short of Bradman’s record. Still, surpassing legends like Sobers, Gower, Gavaskar, and Gooch to claim second place is a monumental achievement. Amid the run blitz from Gill, India’s other five batters gained comparatively less fame—even though Rahul and Jadeja each scored 500+ runs, and Pant and Jaiswal contributed over 400 each. Washington Sundar also established himself as a talented all-rounder, registering his maiden century. India posted 12 centuries in total, an unexpected record. Runs flowed from both sides. Normally in England, a first-innings total of 350 is considered formidable because of the grassy wickets, overcast conditions, and the Duke ball’s assistance to swing. But since England adopted their “Bazball” approach, the pitches have become more batting-friendly—something their PR machine often attributing success to “great batting” and downplaying the relatively benign surfaces. If they fail on a more “spicy” track—like England did in the first innings of the fifth Test (and lost 7 for 66 in the second)—they label it an exception. The fact remains: these were batting-friendly pitches, which the bowling records confirm. All five Tests lasted to the fifth day, which is quite a rarity in modern cricket. Even in the final innings, teams were comfortably chasing targets of 350+—extraordinary in England’s Test history.
On India’s side, the fast bowlers worked tirelessly and kept the team competitive, even when the conditions were stacked against them. Rather than wilting under the pressure of Bumrah’s sporadic availability, they turned opportunity into victory, a huge plus for India’s future. Mohammad Siraj deserves endless praise—the words to describe his contribution to the series simply fall short.
A striking point that fans of both teams will discuss for years to come is the fielding—especially the catching. Both teams dropped a combined total of 40 catches, with India missing 23 and England 17. England dropped six catches in the fifth Test alone, which proved very costly for them, though some of their reporters tried clumsily to downplay India’s superb bowling by harping on those missed catches. Nowhere did they mention that in the first Test, India dropped six catches, and in the next two Tests combined, another twelve. Without those 18 missed catches, India might well have sewn up the series before the fourth Test. In fact, an excellent Cricbuzz article titled “Unforced errors cost India a deserved series win in England” analyzes this in detail. Of course, where there is a close contest, shocking results and unexpected mistakes often go hand in hand. Both teams may be feeling that the trophy slipped from their grasp. While that might bring each team some heartache, it is also precisely why Test cricket itself has emerged the winner.
India After Rohit, Ashwin, and Kohli – Virat or Vaman?
ભારતીય ટીમના ત્રણ મહાન સિતારા હમણાંજ નિવૃત્ત થયા. રવિચંદ્રન અશ્વિન, રોહિત શર્મા તથા વિરાટ કોહલી હવે માત્ર ફ્રેન્ચાઇઝ T૨૦ રમતોમાં ભાગ લેશે. આ ત્રણે ખેલાડીઓ ભારતની ટેસ્ટ ટીમના સ્તંભ સમાન હતા. ઊપરાંત રોહિત શર્મા ભારતની ટેસ્ટ અને એક દિવસીય મેચની ટીમના કપ્તાન હતા. માટે ભારતીય ટીમના ચાહક વર્ગમાં આ ત્રણ ધરખમ ખેલાડીઓ એક સાથે નિવૃત્ત થવાથી, ખાસ કરીને ટેસ્ટ ટીમ નબળી પડી જવાની શંકા ઊભી થાય તે સ્વાભાવિક છે; ખાસ કરીને જ્યારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭ ના નવા સત્રના શ્રીગણેશ ઇંગ્લૅન્ડની મુશ્કેલ શ્રેણીથી થવાના હોય ત્યારે. અશ્વિને તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમ્યાન સમેટી લીધી હતી. પણ રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે ટીમના ચાહકવર્ગમાં ઇંગ્લૅન્ડના પ્રવાસ વિષે ખૂબ મોટી અપેક્ષાઓ હતી કારણ આ બન્ને ખેલાડીઓ પાસે ઇંગ્લૅન્ડના પ્રવાસનો ઘણો અનુભવ હતો. કોઈ પણ નવા ખેલાડીને ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં પ્રથમ વાર અથવાતો નહિવત અનુભવ સાથે રમવાનું ઘણું કઠિન લાગતું હોય છે. આમ ખાસ કરીને ભારતની બેટિંગની સફળતા વિષે બન્ને અનુભવી ખેલાડીઓની અનપેક્ષિત નિવૃત્તિનાં કારણે, નિરાશા વ્યાપી જાય તે સમજાય તેવું છે. ઉપરાંત ભારતની ટીમનું સુકાન હવે એક નવા કપ્તાનના હાથમાં આવશે તેના કારણે પણ સફળતાની શક્યતાઓ ઓછી થઈ જશે તેવી માન્યતાઓ અજુગતી ન કહેવાય. ભારતીય ટીમનો ચાહકવર્ગ તથા વિશ્લેષકો ભારતની ટેસ્ટ ટીમના છેલ્લા ઘણા વર્ષો દરમ્યાન બધાજ પ્રતિસ્પર્ધીઓ સામેની સફળતાથી હવે ટેવાયેલા છે. ગયા વર્ષ દરમ્યાન ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલૅન્ડ ટીમનો ૩-૦ થી અનપેક્ષિત શ્રેણી વિજય અને તેના કારણે ભારતીય ટીમનું WTC ફાઇનલમાંથી બહાર થઈ જવું તે ભારતીય ક્રિકેટના ચાહકવર્ગ માટે એક મહાન આંચકાજનક અનુભવ હતો. ઓસ્ટ્રેલિયાના અસફળ પ્રવાસ બાદ ટીમના પ્રદર્શન વિષે નિરાશા વધી ગઈ હતી, તેમાં આ બન્ને અનુભવી ખેલાડીઓની અણધારી નિવૃત્તીએ બળતામાં ઘી હોમવાનું કાર્ય કર્યું. ભારતના ચયનકર્તાઓએ જ્યારે પ્રમાણમાં બિનઅનુભવી કહેવાય તેવા શુભમન ગિલને ટીમનું સુકાન સોંપ્યું, ત્યારે ઇંગ્લૅન્ડના પ્રવાસે જતી ટીમને ચાહકોએ ઉત્સાહ કરતાં આશંકાઓ અને પ્રાર્થનાઓ સાથે વિદાય આપી.
આ લેખ લખું છું ત્યારે ભારતની ટીમ ઇંગ્લૅન્ડ સામે બે ટેસ્ટ રમી ચૂકી છે અને તેમનું પ્રદર્શન કઈક અંશે અનપેક્ષિત રહ્યું છે; ખાસ કરીને જ્યારે અધિકાંશ ચાહકો અને વિશ્લેષકોની અપેક્ષાઓ સાથે સરખાવી ત્યારે. ટીમના જતાં પહેલાં જો કોઇકે એવું કથન કર્યું હોત કે બે ટેસ્ટ મેચ બાદ મુકાબલો ૧-૧ થી બરાબરી પર હશે, તો ઘણાને આ વાત આત્મવિશ્વાસ કરતાં આશાવાદ વધારે લાગત. હેડિંગલીની પ્રથમ ટેસ્ટમાં ભારતની ફિલ્ડિંગ ઘણી નબળી રહી; ઓછામાં ઓછા ૬ કેચઓ પડતાં મુકાયા. આવી ઉદારતાના કારણે હાથમાં આવેલી બાજી સારી ગઈ અને ઉપરના ક્રમાંકના બેટધારોની ખૂબ સુંદર બેટિંગ પાણીમાં ગઈ. પાંચ માંથી ચાર દિવસ, ભારતની ટીમ ઇંગ્લૅન્ડ કરતાં આગળ હતી. બન્ને દાવમાં કુલ પાંચ સદીઓ નોંધાવવા અને ચોથા દાવમાં મોટું કહેવાય તેવું ૩૭૧ રનનું લક્ષ ઇંગ્લૅન્ડને આપ્યા છતાં પરાજિત થવાથી શ્રેણીમાં સફળતા વિષે શરૂઆતમાં જે ડર હતો તે પ્રમાણિત થતો લાગ્યો. બીજી ટેસ્ટ, જે બર્મિંગહામ ના એજબાસ્ટન મેદાન પર રમાઈ ત્યાં ભારતનો ભૂતકાળનો દેખાવ પ્રેરણાદાયક ન હતો. તદુપરાંત દુનિયાના એક નંબરના બોલર જસપ્રિત બૂમરાને આરામ આપવાના મુશ્કેલ નિર્ણય બાદ મેચ જીતી અને શ્રેણીમાં બરાબરી કરવી લગભગ અશક્ય લાગતું હતું. પણ ફરી એક વખત જેમ ૨૦૨૦-૨૧ ની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતના બિનઅનુભવી અને ઊગતા ખેલાડીઓએ કમાલ બતાવી હતી તેવીજ રીતે માત્ર ૭ ટેસ્ટ રમેલા ઝડપી બોલર આકાશ દીપની ૧૦ વિકેટો અને મોહમ્મદ સિરાજની ૭ વિકેટો દ્વારા ભારતે ઇંગ્લૅન્ડને તેમના ઘર આંગણે ૩૩૬ રનથી હરાવીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો. ઝડપી બોલરોને મદદ ના મળે તેવી પિચ ઉપર પણ ભારતના બોલરોએ ૨૦ માંથી ૧૮ વિકેટો ખેરવી બૂમરાની ગેરહાજરી સાલવા ના દીધી. ભારતના ઊગતા અને પ્રમાણમાં બિનઅનુભવી કહેવાય તેવા બેટધર અને કપ્તાન શુભમન ગિલે બેટિંગના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા. તેમણે એકજ ટેસ્ટમાં બંને દાવમાં મળીને કુલ ૪૩૦ રન ફટકાર્યા જે તેમને વિશ્વ વિક્રમી ઇંગ્લૅન્ડના ગ્રેહામ ગુચ પછી બીજા સ્થાન ઉપર બિરાજીત કરે છે. જ્યારે ટીમનો કપ્તાન પોતાની રમતની ચરમ સીમા ઉપર હોય ત્યારે આખી ટીમને પણ પોતાના પ્રદર્શન માટે પ્રોત્સાહન મળતું હોય છે. શ્રેણીની બાકી રહેલી ત્રણ ટેસ્ટ મેચો માટે આ રમત દરમ્યાન આખી ટીમનું પ્રદર્શન વિજય માટે ઉત્પ્રેરક બની રહેવું જોઈએ. ભારતીય ટીમના ચાહકો તથા પારંગત વિશ્લેષકો કે જેઓ માટે આ પરિણામ અણધાર્યું કહેવાય, તે બધાજ માટે હવે આ શ્રેણીના પરિણામ વિષે આશાનું એક નવું કિરણ દેખાય છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પણ દિલ્લી હજુ દૂર છે. અત્યાર સુધી બન્ને ટેસ્ટ મેચોમાં ભારતેને જે પિચ અને વાતાવરણમાં રમવાનો મોકો મળ્યો છે તે ઇંગ્લૅન્ડની સ્વાભાવિક પરિસ્થિતિ કરતાં અલગ અને અપવાદરૂપ કહેવાય. આ બન્ને ટેસ્ટ મેચોમાં પિચ બેટિંગની તરફેણમાં રહી છે અને વાતાવરણ પણ સ્વિંગ બોલિંગને મદદરૂપ રહ્યું નથી. આગળ જતાં પરિસ્થિતિ બદલાય તો આ નવોદિત ટીમની શક્તિની સાચી કસોટી થઈ શકે છે. પણ અત્યાર સુધીમાં તેમણે જે પ્રદર્શન કર્યું છે તે જોતાં લાગે છે કે જે ત્રણ મહાન ખેલાડીઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે તેમની ખોટ ઝડપથી પુરાઈ જશે.
કોહલી અને રોહિત જેવા અનુભવી ખેલાડીઓ એકસાથે નિવૃત્ત થાય ત્યારે કોઈ પણ ટીમને માટે પડકારરૂપ હોય છે. ભૂતકાળમાં જ્યારે ભારતના ‘ફેબ ફોર’, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, લક્ષ્મણ અને સચિન તેંડુલકર એક પછી એક નિવૃત્ત થયા ત્યારે ભારતીય ટીમમાં ના પુરાય તેવી ખોટ પડી હતી અને સૌ ચાહકો અને વિશ્લેષકો ટીમના ભવિષ્ય વિષે શંકાશીલ થયા હતાં. પણ ત્યાર બાદ મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, રવિ અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને અજિંકયા રેહાણે જેવા ખેલાડીઓએ ટીમને ખૂબ મજબૂતાઈ આપી અને અનપેક્ષિત સફળતા તરફ દોરી ગયા. કોહલીની કપ્તાની હેઠળ ભારતીય ટીમની માનસિકતા ખૂબ સુદ્રઢ બની અને તેનું રૂપાંતર SENA દેશોમાં ખાસ કરીને અવિજિત કહેવાય તેવા ઓસ્ટ્રેલિયામાં, સળંગ બે શ્રેણીઓમાં જીતમાં પરિણમ્યું. ૨૦૧૨-૧૩માં આવા પરિણામનું ભવિષ્ય કોઈ ભાખવા તૈયાર ન હતું. મારી દ્રષ્ટિએ છેલ્લા ૨૫-૩૦ વર્ષ દરમ્યાન ભારતીય ક્રિકેટમાં જે પરંપરા સ્થાપિત થઈ છે અને જેના સથવારે નવોદિત પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન મળે છે તેનું આ પરિણામ છે.
હું માનું છું કે ભારતમાં જ્યારે પણ પ્રસ્થાપિત ખેલાડીઓ નિવૃત્ત થાય છે ત્યારે અપેક્ષા અને હકીકત વચ્ચેના દ્વંદ્વમાં મહદઅંશે નિરાશાવાદી અભિપ્રાયજ વિજયી બનતો હોય છે. કૈંક અંશે આ સમજાય તેવી વાત પણ છે. નવોદિત ખેલાડી જ્યાં સુધી પરદેશમાં પોતાની કાબેલિયત સાબિત ના કરે ત્યાં સુધી તેના ઉપર પ્રશ્નચિન્હ રહેજ છે. ઘર આંગણે બનાવેલ રન અથવા વિકેટો પરદેશમાં પણ રૂપાંતરિત થાય તેવું માત્ર અનુમાનજ કરી શકાય. માટે રોહિત શર્મા અને ખાસ કરીને વિરાટ કોહલીની નિવૃત્તિ ભારતીય ક્રિકેટના ચાહકો માટે નિરાશાજનક બને તે સ્વાભાવિક છે. વિરાટ પાસેથી ટીમ માત્ર રનજ નહીં પણ આક્રમકતા પણ મેળવતી હતી. વિરાટની રમત માત્ર પોતાની ટીમના સ્કોરકાર્ડ સુધીજ સીમિત ન હતી. તેમની હાજરી માત્ર પ્રતિસ્પર્ધી માટે માથાના દુખાવા સમાન હતી. તેમની પાસે પોતાની ઊર્જાના પૂર દ્વારા આખી ટીમને ચેતનવંતી કરી દેવાની અનોખી શક્તિ હતી. આવું ઘણા ઓછા ખેલાડીઓ કરી શકતા હોય છે. છેલ્લા ઘણા વર્ષો થી વિરાટ કોહલી ભારતની ટીમ માટે એક ખૂબ અગત્યના પાયાના સ્તંભ સમાન હતાં, જેમની હાજરી માત્ર તેમની ટીમને પ્રેરણા અને પ્રતિસ્પર્ધીને પડકાર આપવા માટે સક્ષમ હતી. માટે તેમની નિવૃત્તિ પછીની ભારતની ટીમની સફળતાની કલ્પના કરવી મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે. પણ તેમનો આ નિવૃત્તિનો નિર્ણય જે આપણને અણધાર્યો લાગે તે શું ખરેખર આમ હશે?
આંતરરાષ્ટ્રીય સ્તર પર ખ્યાતિ પામેલા અને વર્ષો પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ થયેલા ખેલાડીઓ પોતાની રમત અને પરિસ્થિતિથી હમેશા ખૂબ જાગૃત રહેતા હોય છે. વિરાટ કોહલીનો બેટિંગ રેકોર્ડ તપાસીએ તો કદાચ તેમની નિવૃત્તિનો નિર્ણય કેમ અચાનક ન હતો, તેનું એક શક્ય કારણ દ્રશ્યમાન થઈ શકે છે. કોહલીએ તેમની વિરાટ કારકિર્દી દરમ્યાન ૧૨૩ ટેસ્ટ મેચોમાં ૨૧૦ ઇનિંગ્સ રમી ૪૬.૮૫ ની સરેરાશ સાથે ૯૨૩૦ રન કર્યા જેમાં ૩૦ સેન્ચુરીઓનો સમાવેશ થાય છે. તેમણે જાન્યુઆરી ૨૦૨૨ એટલે કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સુધી, ૧૬૯ ઇનિંગ્સમાં ૫૦.૩૫ રનની સરેરાશ સાથે કુલ ૮૦૦૭ રન બનાવેલ હતાં જેમાં ૨૭ સેન્ચુરીઓનો સમાવેશ થાય છે. આમ તેમની એક સેન્ચુરી દર ૫.૩ ઇનિંગ્સમાં બનતી હતી. આ સેન્ચુરી બનાવવાનો દર વિશ્વના ઉપરના પ્રથમ પાંચ ખેલાડીઓમાં આવતો હતો; સર ડોન બ્રેડમેન ૨/૭૬ ના દર સાથે સર્વોપરી છે, પણ તેમના બાદ ઓસ્ટ્રેલિયાના સ્ટીવન સ્મિથ અને વિરાટ કોહલી બિરાજમાન હતાં. પણ માર્ચ ૨૦૨૨ એટલેકે શ્રી લંકાની શ્રેણીથી જો અંત સુધી કોહલીનો રેકર્ડ તપાસી તો સ્પષ્ટ થાય છે કે તેમની ઉત્તરોત્તર અધોગતિ થઈ રહી હતી. ૧૨-માર્ચ-૨૨ થી ૦૩-જાન્યુવારી-૨૫ જે તેમની સિડની ટેસ્ટની છેલ્લી ઇનિંગ્સ હતી, ત્યાં સુધી તેમણે કુલ ૪૧ ઇનિંગ્સમાં માત્ર ૩૨.૧૮ ની સરેરાશથી ૧૨૨૩ રન બનાવ્યા જેમાં માત્ર ત્રણ સેન્ચુરીઓનો સમાવેશ થાય છે. તેમનો સેન્ચુરીનો દર ૫.૩ નો હતો તે ઘટીને ૧૨.૭ ઉપર આવી ગયો. મતલબ કે જે કોહલી પહેલાં દર ૬ ઇનિંગ્સ માં એક સેન્ચુરી ફટકારતાં હતાં તેમને હવે સદી બનાવતા ૧૨-૧૩ ઇનિંગ્સ લાગતી હતી. તેમાં પણ જાન્યુઆરી ૨૦૨૪ થી છેલ્લી ૨૧ ઇનિંગ્સમાં તો તેમણે માત્ર ૨૪.૪ ની સરેરાશથી ૪૪૦ રન બનાવ્યા જેમાં માત્ર એક સેન્ચુરી હતી. જે ખેલાડી પોતાની સફળતામાટે ખૂબ સજાગ હોય અને એક વખતે ક્રિકેટ જગતમાં જેની હાક વાગતી હોય તે પોતાના આવા દેખાવથી નિરાશ ના હોય તેવું કોઈ કાળે મનાય નહીં. સફળતા કરતાં નિષ્ફળતા માનસ ઉપર વધુ ઘેરી છાપ છોડતી હોય છે. અને જ્યારે ખેલાડીને એવું લાગે કે હવે આ વમળમાંથી બહાર નીકળવું દિવસે દિવસે મુશ્કેલ થતું જાય છે ત્યારે નિવૃત્તિ લઈ લેવી યોગ્ય કહેવાય.
વિરાટ અને રોહિત બન્નેના કારકિર્દીના છેલ્લા વર્ષોના રેકોર્ડ તપાસી તો તેમના રનોના ગ્રાફની લીટી સતત નીચે ને નીચેજ જતી હતી. કદાચ તેમના ચાહકો માટે તેમની નિવૃત્તિ એક અનપેક્ષિત આંચકો લાગે પણ અંગ્રેજીની કહેવત પ્રમાણે બન્ને માટે “the writing was on the wall”. આ પરિસ્થિતિમાં કોઈ નવા અને બિનઅનુભવી ખેલાડી પાસે પણ આનાથી વધુ નિમ્ન સ્તરના દેખાવની શક્યતા નથી રહેતી. ઘણી વખત એવું બને છે કે પોતાના પ્રિય ખેલાડીની ઘટતી જતી ક્ષમતા ચાહક વર્ગ જોઈ શકતો નથી, પણ રમતનું વિશ્લેષણ કરનાર અને ખાસ કરીને જેમના ઉપર ટીમના ભવિષ્યની જવાબદારી છે તેવા ચયનકર્તાઓ હકીકત જોઈ નિર્ણય લેતા હોય છે. મારી ધારણા મુજબ બન્ને ખેલાડીઓને ભારતીય ક્રિકેટ બોર્ડ તરફથી સંકેત જરૂર મળી ગયા હોવા જોઈએ જેણે તેમના નિવૃત્તિ લેવાના નિર્ણયને સરળ બનાવી દીધો હશે.
તો ભારતીય ક્રિકકેટના ભવિષ્યમાં શું? જો અત્યાર સુધીની બે ટેસ્ટ મેચોનું પરિણામ તપાસીએ તો એમ લાગે છે કે નવોદિત ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર જલ્દીથી સ્થિર થઈ જશે. જે રીતે ભારતની ટેસ્ટ ટીમ, સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા ખમતીધર ખેલાડીઓની ખોટ સહન કરીને પણ આગેકૂચ કરતી રહી છે તેવીજ રીતે આવી રહેલા નવયુવાન ખેલાડીઓમાં ઘણી પ્રતિભા દેખાય છે જે ભારતના ક્રિકેટ ને આગળજ વધારતા રહેશે. કોહલીનો વારસો ભારતના ક્રિકેટને વિરાટ બનાવવામાં મદદરૂપ બનશે તે મારી દ્રષ્ટિએ એક નિર્વિવાદ હકીકત છે.
English Translation
India After Rohit, Ashwin, and Kohli – Virat or Vaman?
Three great stars of Indian cricket have just retired. Ravichandran Ashwin, Rohit Sharma, and Virat Kohli will now only play in franchise T20 matches. These three players were the pillars of India’s Test team. In addition, Rohit Sharma was the captain of both the Test and ODI teams. So, with the simultaneous retirement of these three towering players, it is natural for Indian cricket fans to worry that the Test team might weaken—especially as the 2025–2027 World Test Championship cycle is set to begin with a tough tour of England.
Ashwin ended his international career earlier this year during the tour of Australia. However, fans had high hopes from Rohit Sharma and Virat Kohli for the England tour because both had considerable experience playing there. For any new player, facing teams in England, Australia, or South Africa for the first time, or with little experience, is an immense challenge. Thus, the unexpected retirement of these two senior batters has led to disappointment among fans, particularly regarding the team’s batting prospects. Furthermore, with the captaincy now passing to a new, less experienced leader, expectations of continued success have naturally dampened.
Indian fans and analysts have become accustomed to seeing consistent success in Test cricket over recent years. The unexpected 3–0 series loss to New Zealand last year during their tour of India—and the resulting elimination from the WTC Final—was a major shock. After the unsuccessful tour of Australia, discontent grew further, and the retirement of these two veterans felt like adding fuel to the fire. When selectors handed the captaincy to the relatively inexperienced Shubman Gill, fans saw the team off to England with a mix of apprehension and prayer.
At the time of writing, India has played two Tests against England, and their performance has been somewhat surprising—especially when compared with the expectations of most fans and pundits. If someone had claimed before the tour that the series would be level at 1–1 after two Tests, many would have considered it overly optimistic.
In the first Test at Headingley, India’s fielding was below par, with at least six catches dropped. This generosity cost India dearly, overshadowing otherwise stellar batting performances. For four of the five days, India had the upper hand. Despite scoring five centuries across two innings and setting England a formidable target of 371 runs in the fourth innings, India ended up losing—thus confirming initial fears about the series outcome.
The second Test was played at Edgbaston, Birmingham, where India’s past record had not been inspiring. Furthermore, with the world’s top-ranked bowler Jasprit Bumrah rested, winning the match and leveling the series seemed almost impossible. But just as India’s inexperienced players had shone during the 2020–21 Border-Gavaskar Trophy, so too did fast bowler Akash Deep, who took 10 wickets in just his seventh Test. Alongside Mohammed Siraj’s 7 wickets, India beat England by a record 336 runs. Even on a pitch that offered little help for fast bowlers, the Indian attack dismissed 18 out of 20 batsmen, nullifying Bumrah’s absence.
Emerging batter and captain Shubman Gill set new records with the bat. Scoring a total of 430 runs across both innings of a single Test, he now stands second only to England’s Graham Gooch in terms of runs scored in one Test. When a captain performs at his peak, it boosts the entire team. This performance should inspire the team for the remaining three Tests.
For fans and seasoned analysts who were skeptical, the recent result brings a new ray of hope. But the road ahead remains long. So far, the conditions in the two Tests have not been typical of England—batting-friendly pitches and no real help for swing bowling. Should those conditions change, this young team will face its true test. However, based on what we’ve seen so far, it seems that the void left by the three greats may be filled faster than expected.
When players of the stature of Kohli and Rohit retire together, it presents a huge challenge for any team. In the past, when India’s “Fab Four”—Sourav Ganguly, Rahul Dravid, VVS Laxman, and Sachin Tendulkar—retired one after the other, it left a gap that made fans and pundits uneasy about the team’s future. Yet, players like MS Dhoni, Virat Kohli, Cheteshwar Pujara, Ravichandran Ashwin, Ravindra Jadeja, and Ajinkya Rahane stepped up and led the team to unexpected heights. Under Kohli’s captaincy, the team became mentally stronger, achieving rare victories in SENA countries, especially two successive series wins in Australia—something few had predicted in 2012–13.
I believe the tradition that has been established in Indian cricket over the past 25–30 years is now bearing fruit—providing consistent support and opportunities for emerging talent.
In India, when established players retire, pessimistic views often win out in the battle between expectation and reality. It’s understandable to some extent: until young players prove themselves overseas, question marks remain. Runs and wickets at home do not guarantee success abroad. So it’s natural that the retirement of Rohit Sharma and especially Virat Kohli would bring disappointment to fans. Kohli contributed not just runs but intensity and aggression. His presence went beyond just adding to the scoreboard—he was a psychological challenge to opponents, energizing the team through his passion and charisma.
For years, Kohli was a cornerstone of Indian cricket, inspiring his team and intimidating the opposition. So imagining a successful Indian side without him is difficult. But was his retirement truly unexpected?
Great players who’ve had long, successful careers are acutely aware of their game and their circumstances. If we examine Kohli’s batting record, we might see a reason behind his decision. Over 123 Tests and 210 innings, he scored 9,230 runs at an average of 46.85, with 30 centuries. Until January 2022 (South Africa tour), he had scored 8,007 runs in 169 innings at an average of 50.35, with 27 centuries—a century every 5.3 innings, among the best in the world behind only Sir Don Bradman and Steve Smith.
However, from March 2022 (Sri Lanka series) to January 2025 (his final innings in Sydney), he scored only 1,223 runs from 41 innings at an average of 32.18, with just 3 centuries. His century rate dropped from 5.3 to 12.7 innings per century. In his last 21 innings (since Jan 2024), he scored only 440 runs at an average of 24.4, with a single century. A player so aware of his performance would undoubtedly feel this decline. Failure leaves a deeper impression than success, and when a player sees no clear way out, retirement becomes a natural choice.
Both Kohli and Rohit showed a steady decline in recent years. Their retirement might seem like a shock to fans, but as the English saying goes, “the writing was on the wall.” In such a situation, even a newcomer would be unlikely to perform worse. Often, fans cannot see the fading capabilities of their favorite players, but selectors—responsible for the team’s future—see the truth and act on it. I believe both players must have received a clear signal from the BCCI, which helped them make the decision to retire.
So, what lies ahead for Indian cricket?
If the results of the first two Tests are any indication, the new generation of players may settle into international cricket faster than expected. Just as the Test team moved forward after the retirements of Tendulkar, Dravid, and Dhoni, today’s young cricketers are showing the talent to carry Indian cricket even further. In my view, Kohli’s legacy will help make Indian cricket truly “Virat” (great).
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે કૈંક કહેવું હોય તો લગભગ 99% શબ્દો એકજ ખેલાડી વિશે કહેવા પડે. જસપ્રીત બૂમરાની હાજરી આ શ્રેણી દરમ્યાન એક વિશાળકાય માનવપ્રતિમા ની જેમ દ્રશ્યમાન રહી. અને તે વાત છેલ્લી ટેસ્ટની છેલ્લી ઇંનિંગ દરમ્યાન તેમની ગેરહાજરી થી સાબિત થઇ. ત્યાં સુધી આ શ્રેણીનું પરિણામ સંતુલનમાં હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના ચાહકો, પત્રકારો અને ચાલતી ગાડીમાં ચડી બેસનાર બીજા પ્રશંશકો જે અત્યારે બહાદુરીના દંભના નગારા વગાડી રહ્યા છે તેઓ બધાની જીભ સિવાઈ ગયી હોત , જો બૂમરા સિડની ટેસ્ટના છેલ્લા દિવસે હાથમાં બોલ લઈને મેદાનમાં ઉતર્યા હોત. આ દુનિયાનો દસ્તુર છે કે “જો જીતા વોહી સિકંદર”…. અને બાકી સબ બંદર! વિજય પછી આ જાતની છાતી પીટવામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ચાહકોનો દુનિયાભરમાં જોટો જડવો મુશ્કેલ છે. જોકે ભારતીય પ્રશંસકો આ હરીફાઈમાં ધીરે ધીરે આગળ જરૂર વધી રહ્યા છે. પણ તેમની ખાસિયત છે જે હાર પછી, પોતાના જ ખેલાડીને એકજ મિનિટમાં સિંહાસન પરથી ઉતારીને બેઆબરૂ કરવામાં કોઈ કસર ના રાખવી. આ વાતનો પણ દુનિયામાં જોટો જડવો મુશ્કેલ છે. ભારતનો ક્રિકેટ ચાહક એક અજીબ પ્રાણી છે; જીતે તો માથે બેસાડે અને હારે તો ઠોકરે મારે! મારી દ્રષ્ટિએ આજ કારણે આ વખતની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બંને પક્ષ માટે ખુબજ તણાવપૂર્ણ રહી. જોકે બંને ટીમોના ખેલાડીઓનું રમત કૌશલ્ય, લડાયકશક્તિ અને તેના કારણે હરીફાઈનું સ્તર એટલું ઊંચું રહ્યું કે જે વર્ષો સુધી બધાજ ચાહકો યાદ કરશે. અત્યારે જયારે આ લડાઈની ધૂળની ડમરીઓ ધીરે ધીરે ઠરીઠામ થઇ રહી છે ત્યારે વિજેતા અને પરાજિત ખેલાડીઓની તસવીરોમાં બૂમરા એક એવા ખેલાડી તરીકે ઉભરી આવ્યાકે જેમની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. અને આ એવી પરિસ્થિતિમાં કે જયારે સુપરસ્ટાર અને એક બ્રાન્ડ બની ગયેલ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની પ્રતિષ્ઠાને ખાસી હાનિ પહોંચી છે. ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય છે. કોહલી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના રાજા ગણાતા હતા; આ શૃંખલા દરમ્યાન રાજાને રંક બનતા જોયા. મારા જેવા ઘણા ભારતીય ક્રિકેટના ચાહકો માટે આ એક નવો અનુભવ છે. રોહિત શર્માને એવું કરવાની ફરજ પડી કે જે આજ સુધી ભારતના ક્રિકેટના ઇતિહાસમાં બન્યું ના હતું; સુકાનીને મધદરિયે સુકાન છોડી ઉપકપ્તાનને સુકાન થમાવવાની ફરજ પડી! ક્રિકેટ ની રમતમાં હીરો થી ઝીરો બનવામાં બહુ વાર નથી લાગતી. જાણતા તો હતા અને જોઈ પણ લીધું! ભારતને એક દાયકા પછી ઓસ્ટ્રેલિયા સામે શૃંખલાની હાર જોવાનો વારો આવ્યો અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઉપરથી તેમનો કબજો છોડવાની ફરજ પડી. 3-1 થી હાર નું પરિણામ ભલે ઓસ્ટ્રેલિયા તરફી લાગે, પણ છેલ્લા દિવસ અને છેલ્લી સેશન સુધી ભારત પાસે શૃંખલા બરાબર કરવાની તક જરૂર હતી. મારા મત પ્રમાણે આ વાતનું શ્રેય લગભગ સંપૂર્ણપણે જસપ્રીત બૂમરાને જ જાય છે.
ભારતની હારના કારણો શોધવામાં બહુ તકલીફ પડે તેવું નથી. મહદ અંશે જે ટીમ બીજી ટીમ કરતા બહેતર રમતનું પ્રદર્શન કરે તેના ગળામાં વિજયમાળા પડતી હોય છે. મારા હિસાબે, આ શૃંખલામાં બંને ટીમોની રમત લગભગ બરાબર સ્તર પર રહી હતી પણ ભારતની ટીમે અગત્યની ક્ષણોમાં ભૂલ કરી રમતનો દોર પ્રતિસ્પર્ધીના હાથમાં આપી દીધો; ખાસ કરીને ચોથી ટેસ્ટ જે મેલબોર્નમાં રમાઈ, તેમાં. ભારતના પૂછડિયા ખેલાડીઓએ જબરદસ્ત લડાયક રમત બતાવીને ઓસ્ટ્રેલિયાની લીડ ઘણી ઓછી કરી દીધી હતી. તદ્ ઉપરાંત, ભારતના બોલરોએ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટો માત્ર 91 રનમાં ખેરવી લીધી હતી ત્યારે નબળી ફિલ્ડિંગ ના કારણે ઓસ્ટ્રેલિયાના પૂછડિયા ખેલાડીઓ બીજા 125 રન વધારે કરવામાં સફળ રહ્યા. તદ્ઉપરાંત, છેલ્લી સેશનમાં સાત વિકેટો હાથમાં હોવા છતાં ભારતના બેટધરો મેચને ડ્રોમાં લઇ જવામાં નિષ્ફળ રહ્યાં. ખરેખર, આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી તેના કરતા ભારતે હારી તેવું કહેવું વધારે યોગ્ય રહેશે. તેવી જ રીતે સિડનીની છેલ્લી ટેસ્ટમાં બંને ટીમોના બેટધરો, આખી શૃંખલાની સૌથી ખરાબ કહેવાય તેવી પીચ ઉપર, તેજ બોલરોની સામે ઝૂકી પડ્યા હતા અને પહેલા દાવ બાદ બંને ટીમો પાસે જીતવાની પૂરી તક હતી. ત્યારે ફરી એક વખત ભારતના બેટધરો ઓસ્ટ્રેલિયા માટે પડકારરૂપ સ્કોર આપવામાં નિષ્ફળ ગયા. જોકે આ પીચ ઉપર 161 રનનો પડકાર પણ મુશ્કેલજનક હતો. પણ ખરે વખતે, ભારતનું સૌથી મોટું હથિયાર, જસપ્રીત બૂમરા ઈજાગ્રસ્ત થવાથી મેદાનમાં ઉતરી ના શક્યા અને ભારત પાસે ટેસ્ટ જીતીને શૃંખલા બરાબર કરવાનો સુનેહરો મોકો હાથમાંથી સરી ગયો. હું માનું છું કે આ પીચ ઉપર ચોથા દાવમાં રમવામાં જો ભારતે 225 રનનો પડકાર આપ્યો હોત તો બૂમરા વગરની બોલિંગ પણ ઓસ્ટ્રેલિયાને ભારે પડી જાત. અલબત્ત, બ્રિસ્બનમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું અને જો ઇન્દ્રદેવની કૃપા ના હોત તો ઓસ્ટ્રેલિયા જરૂર શૃંખલામાં બઢત મેળવી લેત. ઓસ્ટ્રેલિયા માટે આ પરિણામ જરૂર આંચકાજનક હતું. ખાસ કરીને પર્થમાં રમાયેલ પહેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને કારમો પરાજાય આપ્યો જેમાં તેમના જુના ઘા તાજા થઇ ગયા હતા. એડિલેઈડમાં રમાયેલ બીજી પિન્ક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને શૃંખલામાં પરત આવવાનો મોકો જરૂર મળી ગયો જે ખૂબ જ અપેક્ષિત હતું. પણ પહેલી બે ટેસ્ટમાં જીત મેળવીને બ્રિસ્બન પહેલા શૃંખલામાં આગળ નીકળી જવાની અપેક્ષા ધૂળમાં મળી ગઈ હતી, તેથી ફરી 2021ની ગાબાની હારના ઘા તાજા થઇ ગયા હતા.
આ પાંચેય ટેસ્ટ મેચો જાણે બે બિલકુલ સરખા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે હેવી વેઇટ મુક્કાબાજીની સ્પર્ધા હોય તેવી રહી. દરેક રાઉન્ડ બાદ બંને લોહીલુહાણ થઇ જાય પણ બીજા રાઉન્ડમાં એજ તાકાત અને જુસ્સાથી પ્રતિસ્પર્ધી ઉપર તૂટી પડે અને દર્શકો માટે નક્કી કરવું મુશ્કેલ થાય કે વિજયી કોણ રહેશે. જો ભારતનું મુખ્ય હથિયાર શૃંખલાની અંતિમ ક્ષણે ઈજાગ્રસ્ત ના હોત તો સ્કોરકાર્ડ પણ સાચી હકીકત બયાન કરી શકત. ખરેખર, આ કારણોસર આ શૃંખલામાં મેદાન ઉપર હાજર રહેનાર પ્રેક્ષકગણની સંખ્યાનો વિક્રમ તૂટ્યો અને એક યાદગાર શૃંખલા સર્જાઈ. સોશ્યિલ મીડિયા ઉપર બંને દેશના ચાહકવર્ગ વચ્ચે પણ તીખી નોક-ઝોક ચાલુજ રહી જે સ્પર્ધાની તીવ્રતાનું અદભુત ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયામાં આવીને તેમના ગઢને તોડવાનો અનુભવ ભારતની ટીમને છે અને છેલ્લા કેટલાય દાયકાઓમાં ભારત સિવાય બીજી કોઈ ટીમ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી નથી. માટેજ ઓસ્ટ્રેલિયનો ચાહકવર્ગ અને આખું પ્રચારતંત્રને, કોઈ પણ પ્રકારે પોતાની ટીમને જીતાડવા માટે પ્રયત્નશીલ હતું. તે માટે દર્શકોને, ખેલાડી હોય કે ભારતની ટીમના ચાહક હોય, તેમના સામે યુદ્ધના ધોરણે પ્રતિકાર કરવો તેવી નિષ્ઠાથી મેદાન માં આવતા જોયા. આ વાત જોકે ઓસ્ટ્રેલિયા માટે કોઈ નવી નથી; આજ કારણ છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ મેચ જીતવી તે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પ્રતિસ્પર્ધીનું માનસિક વિઘટન કરવું તે ઓસ્ટ્રેલિયાની ખાસિયત છે; તેમાં માત્ર મેદાન પર ઉતારેલા ખેલાડીઓજ નહિ પણ આખો દેશ સામેલ થઇ જાય છે. અને આવી પરિસ્થિતિમાં જો પ્રતિસ્પર્ધી કોઈ મોકો આપી દે તો તે સોનામાં સુગંધ ભળ્યા બરાબર થાય. ભારતના શરૂઆતના બેટધરોએ, ઓસ્ટ્રેલિયાને મોકો નહીં પણ મોકા આપ્યા! તેમના બે મહાન બેટધરો , વિરાટ કોહલી અને કપ્તાન રોહિત શર્માની બેટિંગની દારુણ નિષ્ફળતા; બંને જણાને એક એક રન માટે ફાંફા મારતાં જોયા જેના કારણે નવયુવાન અને ઓછા અનુભવવાળા બેટધરો ઉપર રન બનાવવાની જવાબદારી આવી પડી. આવા ભારે ભરખમ યુદ્ધમાં એક બે યોદ્ધાઓ સાથે એકાદ દિવસની લડાઈ જીતાય, આખું યુદ્ધ નહિ! ભારતના આ પરાજયની અગત્યની ચાવી તે તેમની પ્રથમ દાવની બેટિંગની સરિયામ નિષ્ફળતા. ઉપરાંત, વિરાટ કોહલી અને નવયુવક સામ કૉનસ્ટાસ વચ્ચે બનેલા બનાવે આખા ઓસ્ટ્રેલિયાને જાણે કોહલી, બીસીસીઆઈ, ભારત અને આખા ભારતની પ્રજા સામે પોતાની 2021ની હાર ની હતાશા કાઢવાનો એક મોકો આપી દીધો! ભારત માટે ત્રીજી ટેસ્ટ બાદ પરિસ્થિતિ વિકટ તો હતી જ. આ બનાવ બાદ ક્રિકેટ સિવાયના બીજા મુદ્દાઓ વધુ અગત્યના થઇ ગયા. બીસીસીઆઈ અને ભારતની તથાકથિત દાદાગીરી આખા ક્રિકેટ જગત માટે શ્રાપ રૂપ છે તેવા મંતવ્યો, જેણે જિંદગીમાં ક્રિકેટનું બેટ પણ ઊંચક્યું નહિ હોય તેવા અગણિત ખુરશી બબૂચકો…. કે વિવેચકો, નગારા વગાડી વગાડીને સોશ્યિલ મીડિયાની શેરીઓ ગજાવવા મંડ્યા; જાણે આ રમત મટીને યુદ્ધ ના હોય! ઘણા વખતે ઓસ્ટ્રેલિયાના ચાહકવર્ગને જાણે તેમની જન્મજાત દમદાટી આપવાની આદતને ભારત સામે ફરી વ્યવહારમાં મુકવાની તક મળી ગઈ! છેલ્લી બે શ્રેણીઓ દરમ્યાન તેમના વાકઃબાણો તેમના પોતાના ખેલાડીઓ પ્રત્યેજ સાધવા પડ્યા હતા. આ વખતે પુરા વેર ઝેર સાથે તેમને પ્રતિસ્પર્ધી જ નહિ પણ તેમના ચાહકવર્ગ સામે પણ ચલાવવાનો મોકો મળ્યો. જાણે વર્ષોથી તરસી રહેલાને શ્રાવણની હેલી મળી ! ખરેખર કહેવત સાચી થતા જોઈ કે: જો જીતા વોહી સિકંદર! મારે માટે થોડા ખેદ ની વાત છે કે આવી જબરદસ્ત સ્પર્ધાને ભૂલીને મહદ અંશે ઓસ્ટ્રેલિયાનો ચાહકવર્ગ, આ શ્રેણીને ખોટા અને મામૂલી વિવાદોના કારણસર યાદ રાખશે. અને ભારતનો ચાહકવર્ગ કોહલી અને રોહિતની વિરાટ કારકિર્દીને ભૂલી તેમની આ શ્રેણીની સરિયામ નિષ્ફળતાઓને જ યાદ રાખશે! ચાહક નો પ્રેમ અને પ્રકોપ, બંને શ્રાપ બની શકે છે…
મારા માટે બૂમરાનું ક્રિકેટ વ્યક્તિત્વ ઘણું મોટું તો હતુજ. આ શ્રેણીએ તો માત્ર તે માન્યતાને કાયદેસરતા આપી છે. આજથી છ વર્ષ પહેલા, 2018માં બોર્ડર-ગાવસ્કર શૃંખલામાં જયારે મેં તેમની બોલિંગની વેધકતા જોઈ હતી, ત્યારથીજ મને તેમની કુશળતા સર્વ શ્રેષ્ઠ સ્તર પર છે, તેની ખાત્રી જ હતી. પણ છેલ્લા ત્રણ ચાર વર્ષ દરમ્યાન, ખાસ કરીને તેમની પીઠની શસ્ત્રક્રિયા બાદ, તેમની બોલિંગમાં જે વેધકતામાં વધારો જોયો છે તે કમાલની વાત છે. કોઈ પણ ક્ષેત્રમાં 95% ટકાવારી ઉપર પહોંચવું એટલું અઘરૂં નથી જેટલું છેલ્લા 5% ના સ્તરને પસાર કરવું! મારી દ્રષ્ટિએ બૂમરા આ છેલ્લા પાંચ ટકા ના સ્તરને વટાવી હવે શિખર ઉપર બિરાજમાન છે. અને હવે તેઓ ગયા જમાનાના બીજા થોડા મહાન બોલરોની હરોળમાં બેસવાને લાયક છે, તે વાત આ શ્રેણીથી સાબિત થઇ. સ્વાભાવિક છે કે આવો મહાન બોલર જયારે આપણી ટીમમાં હોય ત્યારે બીજા બોલરો તેમની સરખામણીમાં થોડા ફિક્કા જ લાગે. પણ, બીજા બોલરો માટે આ વાત ખુબ મદદરૂપ સાબિત થવી જોઈએ; કારણકે પ્રતિસ્પર્ધી બેટધર તે એક બોલરને છોડીને બીજા બોલરો તરફ આક્રમકઃ બનશે, જે તેમની વિકેટ ખેરવવામાં મદદરૂપ થઇ શકે છે. દુર્ભાગ્યે, બૂમરા ની સામે છેડે બોલિંગ કરનારા હરેક બોલરે આ શ્રેણીમાં તેમને જે ટેકો આપવો જોઈએ તે આપી ના શક્યા. અને તે પણ, આવી પાંચે પાંચ ટેસ્ટ મેચની પીચો ઉપર, કે જે તેજ બોલિંગને અતિશય મદદરૂપ હતી! જો બૂમરાને શ્રેણી દરમ્યાન સામે છેડેથી સતત ટેકો મળી ગયો હોત, તો તેમના ખભા ઉપર વિકેટ લેવાનો જે ભાર મુકાયો તે થોડો બીજાની વચ્ચે વહેંચાયો હોત અને તેમને થોડી ઓછી ઓવેરો નાખવી પડત. આ છેલ્લા દિવસે ખૂબ કામ લાગત. નવયુવાન બોલરો હર્ષિત રાણા અને આકાશદીપ બંનેને બે ટેસ્ટમાં રમવાના મોકા મળ્યા અને તેમણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં રમતા હોવા છતાં જે પ્રદર્શન કર્યું તે વખાણવું જોઈએ. પણ નિરાશા સિરાજના પ્રદર્શનથી થઇ. તેમની આ ઓસ્ટ્રેલિયાની બીજી સફર હતી અને આ પહેલા તેમનું પ્રદર્શન ખૂબ સુંદર અને વિશ્વસનીય રહ્યું છે. મારી દ્રષ્ટિએ તેમની વેધકતામાં અભાવે બૂમરા ઉપર ભાર વધારી દીધો અને ઓસ્ટ્રેલિયાના બેટધરોને સુંદર મોકો મળી ગયો કે તેઓ બૂમરા સામે માત્ર ટકી જ રહેવાની યોજનાને ન્યાય આપી શકે. ક્રિકેટ એક ટીમ રમત છે. એકલ દોકલ ભલે મહારથી હોય, પણ તેમનાથી યુદ્ધના જીતાય. બુમરાની બોલિંગ જોતી વખતે મને હંમેશ આજ એક જૂનું ગીત યાદ આવી જતું..
સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના…
જરૂર, ભારતની બેટિંગ ચાલી નહિ, તે પણ એક અગત્યનું પરિબળ સાબિત થયું. પણ આવી મુશ્કેલ વિકેટો ઉપર બેટધરોને માત્ર કૌશલ્ય નહિ પણ ખૂબ ખૂબ નસીબ ની પણ જરૂર પડતી હોય છે. કહેવાય છે કે ટેસ્ટ ક્રિકેટ માં 20 વિકેટ લઇ શકો તો જ વિજયી થાવ. મને ખાતરી છે કે જો ભારતનો બીજો, ત્રીજો અને ચોથો બોલર બીજા છેડેથી થોડું પણ દબાણ, સતત પણે રાખી શક્યો હોત, તો ભારત ફરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી લઇ પરત થાત. શું અનુભવી મહંમદ શમી ની હાજરી ની ખોટ લાગી? શું ટીમ ના ગેરહાજર કપ્તાન, નવા કોચ અને તેમની નવી ટીમ અને ટીમ વચ્ચે વિસંવાદની વિવાદાસ્પદ અફવાઓએ પણ ભાગ ભજવ્યો? કોને ખબર, સાચી વાત તો ભારતના ડ્રેસિંગ રૂમ ની ભીંતો ઉપર બિરાજમાન થયેલી માખીઓજ બતાવી શકે!
મને તો આ શૃંખલા સદૈવ એક સરી ગયેલી સોનેરી તક તરીકે જ યાદ રહેશે….અને બૂમરા અને તેના પછીના શૂન્યાવકાશ માટે!
તેર નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. પણ ન્યુઝીલેન્ડ માટે તે શુકનિયાળ સાબિત થયો! 70 વર્ષ સુધી ભારતની ધરતી પર મથ્યા પછી કિવીઝને સૌ પ્રથમ વાર શ્રેણીના વિજયનો આસ્વાદ ચાખવા મળ્યો. અને કહે છે ને કે “દેનેવાલા જબભી દેતા પુરા છપ્પર ફાડકે દેતા”. છેલ્લી 36 ટેસ્ટ મેચોમાં માત્ર બેજ ટેસ્ટ જીત્યા હતા પણ તે પછીની ત્રણે ત્રણ ટેસ્ટમાં વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા. મને ખાતરી છે કે તેમના ચાહકોને પણ આનંદના આંચકા આપ્યા હશે. આ ઉપરાંત આ શ્રેણી દરમ્યાન બીજા ઘણા નવા કીર્તિમાન પ્રસ્થાપિત થયા જેને અહીં લખવાથી માત્ર પુનરાવર્તનજ હશે. જોકે ભારતની ટેસ્ટ ટિમ માટે આ અનુભવ નવો કહેવાય. આજ દિન સુધી ભારતની ટેસ્ટ ટીમે 3 થી વધુ ટેસ્ટની શ્રેણીમાં બધીજ મેચો હારી વ્હાઈટવોશ નો અનુભવ કદાપિ કર્યો ન હતો; 1960/70ની ધરખમ વેસ્ટ ઇન્ડિઝ ટિમ સામે ની શ્રેણીમાં પણ નહીં! આદર સહીત કહું છું કે ભારતની ટીમને આવા આંચકા ન્યુઝીલૅન્ડની ટિમ આપશે તેવું જો આ શ્રેણીની શરૂઆતમાં કોઈએ કહ્યું હોત તો તેમની ગણતરી ગાંડામાં થાત! પણ કહેછે ને કે ધેર ઇસ ઓલ્વેઝ એ ફર્સ્ટ ટાઈમ ! કદાચ ભારતની ટિમ માટે એવો વિક્રમ જાળવી રાખવો દિન પ્રતિદિન અઘરું બનતું જતું હતું પણ આપણે સૌ અને બીસીસીઆઈના માંધાતાઓ પણ આવી રહેલા જોખમને જોઈ ના શક્યા. સાચું કહુતો છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ટેસ્ટ ક્રિકેટમાં ભારતની છબી એક છેલ્લી સીમા જેવી બની ગયી હતી તેના કારણે દરેક પ્રતિસ્પર્ધી ટિમ ભારતને ભારતમાં હરાવવા માટે ખુબ પ્રયત્નશીલ રહેતી. ભારતમાં સ્પિન સામે રમવાની કાબેલિયત કેળવવી તે ખાસ કરીને SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશો માટે ખુબ મુશ્કેલભરી વાત હતી. જેવી રીતે છેલા કેટલાક દાયકામાં ભારતની ટીમે ઝડપી અને ઉછાળવાળી પીચ ઉપર રમવામાં પારંગતતા કેળવવાની શરૂઆત કરી છે તેવીજ રીતે આ દેશના બેટધરો સ્પિન સામે વધુ કાબેલ બનતા જાય છે. અને સાથે સાથે તેમના સ્પિન બોલરો પણ ભારતની પીચ ઉપર કેવી રીતે વધુ અસરકારક બનવું તે શીખતાં જાય છે. ભારતને ભારતની ધરતી ઉપર શ્રેણીમાં હાર આપવી તે એક માત્ર સમયનો જ સવાલ અને અનિવાર્ય નિર્વિવાદ વાત હતી. પણ ત્રણ માંથી ત્રણે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતને આવી બુરી રીતે પછાડવું તે આટલું જલ્દી બની શકશે તેવું વિચારવું પણ શક્ય લાગતું ના હતું. કદાચ એવું કહેવાય કે ભારતની ટિમ તથા બીસીસીઆઈના આયોજકો ઊંઘતા ઝડપાયા. ભારતના ક્રિકેટમાં આવી અનપેક્ષીત ઉથલપાથલ જવલ્લેજ જોઈ છે. વર્ષો પહેલા, જયારે ભારતની ટીમનો ચાહકવર્ગ પોતાની ટિમ જયારે મેચને ડ્રોમાં લઇ જાય ત્યારે તેને વિજય માનીને આનંદથી મન મનાવી લેતો, તે વખતે પણ આવા કારમાં પરાજય નો અનુભવ નહતો કર્યો. કદાચ એવું હોય કે છેલ્લા કેટલાક દાયકા દરમ્યાન ભારતની ટેસ્ટ ટિમ ક્રમાંકમાં હરદમ ઉપર રહેતી હોવાથી આવા કારમા પરાજયની અપેક્ષા નહિવત થઇ ગઈ હતી. જીતતા રહેવું તે પણ એક શ્રાપ બની જતું હોય છે. કોઈ પણ રમતની આજ તો ખાસિયત છે. ચેમ્પિયન બનવું એટલું અઘરું નથી જેટલું હંમેશ સર્વશ્રેષ્ઠ બની રહેવું! અને ટેસ્ટ ક્રિકેટ જેવી જટિલ અને માનસિક રમતમાં હરદમ જીતતા રહેવું કોઈ પણ ટિમ માટે શક્ય નથી. માટે ભારતની શ્રેણીની હાર એટલી આંચકાજનક નથી. આઘાતજનક છે તો છે ત્રણે ટેસ્ટના પરિણામો અને ભારતના કહેવાતા ખમતીધર બેટધરોની પાંગળી બેટિંગ! આટલી હદે નિર્બળ બેટિંગનું પ્રદર્શન મેં ભારતની ધરતી ઉપર પહેલીવાર નિહાળ્યું છે. ત્રણે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતના બેટધરોના કંગાળ પ્રદર્શનના કારણેજ નતીજા ઠનઠન ગોપાલ!
આ શ્રેણીનું વિશ્લેષણ કરવું પણ અઘરું છે; મારા તમારા જેવા ક્રિકેટ રસિયાઓ જે ટીમના અંદરના માહોલથી વાકેફ નથી, તેઓતો આવા પરિણામના કારણોનું માત્ર અનુમાનજ કરી શકે! ક્રિકેટ એ સંગઠનની રમત છે. અગિયાર ખેલાડીઓમાંથી સર્વે ખેલાડીને પોતાનું વજન ઉઠાવવાનું હોય છે. લગભગ દરેક મેચમાં એક બે ખેલાડીઓની નિષ્ફળતા અપેક્ષિત હોય છે અને તે બીજા ખેલાડીઓની સફળતા પૂર્ણ કરી દે છે. પણ જયારે આખી ટીમના મહત્તમ બેટધરો એક સાથે નિષ્ફળ જાય ત્યારે આભ ફાટે ત્યારે ક્યાં થીંગડું દેવું, એવી પરિસ્થિતિ ઉભી થાય છે. આવી હાર માટે એકાદ બે ખેલાડીઓને માથે દોષારોપણ કરવું તે યોગ્ય ના કહેવાય. પણ ટીમમાં દુનિયામાં ઉત્કૃષ્ઠ ગણાતા બે ખેલાડીઓ , રોહિત શર્મા અને કિંગ કોહલીને જયારે એક એક રન માટે ફાંફા મારતાં જોઈએ ત્યારે એવું લાગે કે આવા ખમતીધર ખેલાડીઓ અચાનક દુર્બળ શી રીતે બની જાય? ક્રિકેટ એ આત્મવિશ્વાષની રમત છે. તમારી સબળ માનસિક પરિસ્થિતિજ તમારા સફળ થવામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપતી હોય છે. કોઈ પણ પ્રકારની નબળાઈ અથવા વિક્ષેપ જયારે રમત ઉપરથી ધ્યાન હટાવી દે ત્યારે ભલભલા ખમતીધર ખેલાડીઓ પણ ભીગી બિલ્લી બની જતા હોય છે. રોહિત અને વિરાટ આ શ્રેણીમાં એવી રીતે બેટિંગ કરતા હતા કે જાણે તેમને પોતાની રમત ઉપર વિશ્વાસજ ના હોય! પણ એથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેઓ બંને આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં લડાયક રમત રમવા તૈયાર હોય તેવું પણ લાગતું ન હતું! એક હકીકત છે કે રન બનાવવા માટે કાબેલિયત અને અનુભવ સિવાય ફોર્મ અને થોડું નસીબ પણ તમારી તરફેણમાં હોવું જરૂરી છે. કોઈ પણ અનુભવી ખેલાડી, જે પોતાની રમતથી બરાબર વાકેફ છે, તે બખૂબી સમજતો હોય છે કે ફોર્મ ના હોય ત્યારે પણ લડાયક માનસિક પરિસ્થિતી રન બનાવવામાં મદદ રૂપ થાય છે. સચિન તેંડુલકરનું ઉદાહરણ યાદ આવે છે, જયારે તેમણે ઓસ્ટ્રેલિયાની શ્રેણી દરમ્યાન પોતાના પ્રિય તેવા કવર ડ્રાઈવ શોટને રમવાં બંધ કરી સિડનીમાં બેવડી સદી ફટકારી ફોર્મ પરત મેળવ્યું હતું. જે પોતાના માનસ ઉપર કાબુ કરી પોતાના લથડતા ફોર્મને રોકી શકે તે જ ખરો ચેમ્પિયન ખેલાડી! રોહિત અને વિરાટ બેન્નેની રમતમાં આ લડાયક મનોદશાની ખોટ આ શ્રેણી દરમ્યાન વર્તાઈ, જે એક ખુબ અચંબો આપે તેવી વાત છે. તેમના કરતાં બિનઅનુભવી ખેલાડીઓ જયસ્વાલ અને ગિલ વધુ લડાયક દેખાયા. અને આ ભારતીય બેટિંગના વિનાશના ખંડેરમાં જો કોઈ એક સુપરમેન દેખાયો તો તે હતો રિષભ પંત! એમના ક્રિસ ઉપર આગમનથી ભારતની ટીમમાં જુસ્સો આવતો અને પ્રતિસ્પર્ધીની ટીમમાંથી જુસ્સો જતો દેખાયો; અને તે પણ હરેક દાવમાં! તમારી ટીમમાં એવો એક પણ લડાયક ખેલાડી હોય તો ભલભલા મુર્દામાં પણ જાન આવી જાય! પણ આ ભારતીય ટિમ આટલી હદે ફુસકી બની જશે તેવી કલ્પના મેં કદી કરી ન હતી. હાર-જીત રમતનું અભિન્ન પાસુ છે. પણ તેના કારણે લડાયક માનસિકતા છોડી દેવી તે વિજેતાઓની નિશાની નથી. રોહિત અને વિરાટ બંને ક્યાંતો પોતાની પરિસ્થિતિથી અતિ સંતુષ્ટ થઇ ગયા છે અને તેમને હવે બીજા નવા કોઈ ધ્યેય દેખાતા નથી. અથવાતો તેમનું લક્ષ્ય તેમની ટેસ્ટ ક્રિક્ર્ટની કારકિર્દી થી હટી ગયું છે. આજના ભારતના ક્રિકેટરોની આર્થિક પરિસ્થિતિ એવી છે કે તેમને હવે પોતાના દેશ માટે તેમની કાબેલિયતને વારંવાર પુરવાર કરવાની જરૂર નથી! એક રીતે આ આર્થિક પરિવર્તન ખુબ આવકારદાયક છે; ખાસ કરીને જયારે હું આપણા ઘણા ભૂતપૂર્વ ચેમ્પિયન ખેલાડીઓ વિષે વિચારું કે જેમણે ખુબ ઓછા વેતનમાં પણ દેશની ટિમ માટે લડાયક રમત બતાવી અને નિવૃત્તિ બાદ ખુબ પાંગળી આર્થિક પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું. આજના ખેલાડીઓના ભરેલા ખિસ્સાઓ સામે કોઈ આપત્તિ નથી પણ હકીકત છે કે ભરેલા પેટે મરણિયાના બનાય! અને ભારતની ટીમમાં રમવું હોય તો જેમની મરણિયા બનવાની શક્તિ ક્ષીણ થઇ ગયી હોય, શારીરિક યા માનસિક રીતે, તેમને ક્યાં તો પોતે સામેથી રાજીનામુ આપી દેવું જોઈએ ક્યાં તો ટીમના પસંદગીકારોને અઘરા નિર્ણય લેવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ. જોકે, બીજે પક્ષે એમ પણ વિચારવું જોઈ કે વરિષ્ઠ ખેલાડીઓની માનસિક પરિસ્થિતિમાં આવા બદલાવ આવવાનું કોઈ બીજુતો કારણ નથી ને?
ભારતના નવા કોચ ગૌતમ ગંભીરના આગમન સાથે આવા પરિણામો આવવા તે શું એક સંયોગ જ છે? હું જરૂર તેવી આશા રાખું છું કે આ એક ખરાબ તબક્કામાંથી ટિમ પસાર થઇ રહી છે જે બધીજ ટીમોને ક્યારે ને ક્યારે અનુભવવું પડતું હોય છે. ગંભીર એક કોચ તરીકે ઘણા અનુભવી ના કહેવાય. તેમનો અનુભવ IPL ટિમો પૂરતો સીમિત છે; આંતરરાષ્ટ્રીય અનુભવ નથી. પણ IPLમાં તેમની છબી ઘણી સુદ્રઢ છે માટે અપેક્ષા રાખીયે કે તેઓ ભારતની ટિમના આ બદલાવના તબક્કાને સાચવી લેશે. પણ તેમની પસંદગી ક્રિકેટ કરતા રાજકીય કારણોથી થઇ હોય તેમ વધારે લાગે છે. શું તેમના આવવાથી ટિમની અંદરના સંગઠન ઉપર કોઈ અસર થઇ છે? કદાચ ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સાથે તેમને તાદાત્મ્ય સાધતા થોડો સમય લાગશે? ગંભીર સ્વભાવે થોડા તીખા અને પોતાની મનમાની કરે તેવા લાગે છે. ભારતની ટીમને આવા કોચનો આ પહેલા પણ અનુભવ થઇ ગયો છે અને તે તબક્કો ભારતની ક્રિકેટ ટીમના પરિણામો માટે એક અધોબીન્દુ સમાન હતો. હું ગ્રેગ ચેપલના સમયની વાત કરું છું. આંતરરાષ્ટ્રીય સ્તરે, કોઈ પણ ખેલાડી સાથે એક નવોદિત ખેલાડી જેવી વર્તણુક કરવાની ના હોય. આ ખેલાડીઓ પોતાની રમત જાણતા હોય ત્યારેજ આ સ્તર સુધી પહોંચ્યા હોય. મારુ કહેવું એમ નથી કે અત્યારે ભારતની ટિમ માં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા કહ્યું તેમ, હું અને તમે, સાચી પરિસ્થિતિ થી એટલા દૂર છીએ કે આવી વાતો એક માત્ર અટકળ જ બની રહે છે. આટલા અંતરથી આપણે એટલીજ પ્રાર્થના કરીએ કે ટીમનું સંગઠન, જે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીના સમયમાં હતું અને જેના કારણે ટિમ ઓસ્ટ્રેલિયામાં ખુબ મુશ્કેલભરી પરિસ્થિતિમાં પણ લડાયક રમત રમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લાવી હતી, તેવી ફરીથી બની જાય. ખાસ કરીને આવતા બે મહિના દરમ્યાન ક્રિક્ર્ટનો આ મહા સંગ્રામ ઓસ્ટ્રેલિયામાં ફરી ખેલાશે.
આ વખતે ભારતમાટે મુશ્કેલીઓ ઘણી વધુ હશે કારણકે પ્રતિસ્પર્ધી છેલ્લી બે શ્રેણીઓના પ્રતિકૂળ પરિણામથી ઘાયલ છે અને બદલો લેવા ખુબ તત્પર છે. આવા સમયમાં, ભારતની ટીમે પોતાની સર્વોત્તમ રમત પ્રદર્શિત કરવી પડશે. જોકે મારા જેવા ઘણા ભારતના ક્રિકેટ રસિકોને આ ન્યૂઝીલૅન્ડની શ્રેણી નું પરિણામ એક એન્ટીક્લાઈમેક્સ જવું લાગતું હશે. અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થાય તે પહેલા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી લાગણી પણ થતી હશે! આપણે આશા રાખીએ કે ભારતના કુમ્ભકરણની જેમ ઊંઘતા બેટધરો જાગૃત થઇ અને ઓસ્ટ્રેલિયાને લડાયક રમત આપશે. હું નથી માનતો કે ભારત આ વખતે સતત ત્રીજી શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જીતશે. પણ આશા એવી છે કે કમ સે કમ બે ટેસ્ટ જીતે. તો શ્રેણી હારે તો પણ દુઃખ નહિ થાય. જો ભારતની ટિમ જલ્દીથી સંગઠિત નહિ બને તો પરિણામ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં કદાચ 5-0 પણ આવી શકે છે. તો મારે ફરી ગાવું પડશે કે… નતીજા ઠનઠન ગોપાલ!!
ભારતની ટીમ થોડા સમયની નિષ્ક્રિયતા બાદ ફરી ખુબ વ્યસ્ત બની જવાની છે. એકદિવસીય સ્પર્ધાઓ ઉપરથી ધ્યાન ખસેડી હવે પાંચ દિવસીય ટેસ્ટ ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવ્યો છે. ભૂતકાળના ક્રિકેટની સરખામણીમાં જો કોઈ મહત્વનો ભેદ હોય તો તે છે આ ટૂંકા સમયગાળામાં રમતના ફોરમેટ નો બદલાવ. T 20 અને પચાસ ઓવર ના ઝડપી બદલાવ વાળા ફોરમેટમાંથી ટેસ્ટ ક્રિકેટના ધીમા પણ કસોટીપૂર્ણ ફોરમેટને અનુકૂળ બનવું તે આજની પેઢીના ખેલાડીઓ માટે સૌથી મોટો અને અગત્યનો પડકાર છે. માટેજ આપણે જોઈએ છીએ કે મોટા પ્રમાણમાં ક્રિકેટરો, ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા હોય છે, તે આ ત્રણ જાતના ફોરમેટ ને અનુકૂળ તેમની રમતને બનાવી શકવામાં અને ખાસ કરીને ત્રણે ફોરમેટમાં લાંબી કારકિર્દી સ્થાપિત કરવામાં અસફળ રહે છે. ખુબ ઓછા એવા ખેલાડીઓ છે કે જે ત્રણેય ફોરમેટમાં લાંબી કારકિર્દી સ્થાપિત કરી શક્યા છે. આ ખેલાડીઓ રમતના સાચા હીરા છે. દરેક ફોરમેટની પોતાની એક જરૂરિયાત છે જે પ્રમાણે ખેલાડીને બેટિંગ અથવા બોલિંગ બંનેમાં ફેરફાર કરવો પડે છે. આ શારીરિક કરતા વધુ માનસિક પડકાર છે. ટૂંકા ગાળાની રમતોના પ્રમાણમાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીની સાચી પરીક્ષા થાય છે કારણ કે પ્રતિસ્પર્ધી સામે લાંબો સમય સુધી સ્પર્ધાત્મક રહેવું પડે છે. ટેસ્ટ મેચના પાંચ દિવસ અને દરેક દિવસમાં ત્રણ સત્ર, એમ કુલ પંદર સત્રની આ લડાઈ છે. બે-ત્રણ સત્ર જીતવાથી ટેસ્ટ મેચ જીતાતી નથી. બેટધરને જોઈએ આખા દિવસ ઉભા રહી રન બનાવવાની શક્તિ, ધૈર્ય અને એકાગ્રતા. જયારે બોલરને જોઈએ આખો દિવસ, વિપરીત પરિસ્થિતિમાં પણ, ગુંદર લઈને ક્રિસ ઉપર ચોંટી ગયેલા પ્રતિસ્પર્ધી બેટધરોને ઉખાડીને પેવિલિયનભેગા કરવાનું કૌશલ્ય, ધૈર્ય અને સામર્થ્ય! એકદિવસીય ક્રિકેટની માનસિકતામાંથી ટેસ્ટ ક્રિકેટની માનસિકતામાં પરિવર્તિત થઇ શકવું તે આજની પેઢીના આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા ખેલાડીઓ માટે એક લિટ્મસ ટેસ્ટ બરાબર છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ આવા પ્રયત્નો કરવાના બદલે, માત્ર એક ફોરમેટમાંજ અને ખાસ કરીને T20 માંજ પોતાનું ભવિષ્ય શોધતા હોય છે. અત્યંત પ્રતિભાશાળી અને કોઈ પણ ફોરમેટમાં ખુબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત શકે તેવા તેવા ભારતના હાર્દિક પંડ્યા અને વેસ્ટ ઇન્ડિઝ ના નિકોલસ પૂરન આ નવી પેઢીની બદલાયેલી માનસિકતાના જીવંત ઉદાહરણ છે. T 20 ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં હવે પ્રતિભાસંપન્ન ખેલાડીઓને ટૂંકી રમત રમીને પણ ખુબ સારું વેતન મળતું થઇ ગયું છે, તે બીજો અગત્યનો મુદ્દો પણ જરૂર કહેવાય! માત્ર ખેલાડીઓને જ નહીં પણ ખાસ કરીને નવી પેઢીના ક્રિકેટ રસિકોને પણ આવી શોર્ટ ફોરમેટ ક્રિકેટની સુનામી વહાવીને ટેસ્ટ ક્રિકેટ થી અળગા કરી શકે છે તેવી શંકા અને ચિંતા, રમતના ઘણા તજજ્ઞો સેવતા થઇ ગયા છે. આજ કારણે ICC અને તેના અગત્યના ઘટકો ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડનો ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો અભિગમ, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે જીવાદોરી સમાન છે. ક્રિકેટના નવા રસિકોને લાંબા ફોરમેટ તરફ આકર્ષવા માટે બધી ટેસ્ટ મેચો સ્પર્ધાત્મક અને રસપ્રદ બની રહે તે ખુબ અગત્યનું છે. આ જ કારણે તાજેતરમાં બાંગ્લાદેશની ટીમનો 24 વર્ષ બાદ પ્રથમ વખત પાકિસ્તાનની ધરતી ઉપર સિરીઝ વિજય, મારી દ્રષ્ટિએ એક મહત્વની ઘટના કહેવાય. આવા પરિણામો વિજેતા ટીમોના ચાહકવર્ગને ટૂંકા ફોરમેટમાંથી ટેસ્ટ ક્રિકેટ ભણી ખેંચી લાવવામાં સફળ થઇ શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં વર્તમાનમાં નબળી સાબિત થતી ટીમો જેવીકે બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રી લંકા, પરંપરાગત સબળ ટીમો સામે આવા આંચકાજનક પરિણામો પેદા કરી શકે તે ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે ખુબજ લાભદાયી થઇ શકે છે. નવી પેઢીના ક્રિકેટના ચાહકવર્ગને ટેસ્ટ ક્રિકેટ તરફ આકર્ષવા માટે નબળી ટીમોએ સબળી ટીમો સામે વધુ લડાયક બનવું જરૂરી છે. તે માટે આ દેશોના નવ યુવાન ઉગતા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે આકર્ષવા તેમના ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવું પડશે. ક્રિકેટની રમતના સંચાલકો માટે આ એક ખુબ મોટો પડકાર છે. આવા સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી પ્રતિયોગિતા ખુબ જ અગત્યની બની જાય છે.
ભારતની ટીમ માટે આવી રહેલા ચાર મહિના, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના અંતિમ મુકાબલામાં પહોંચવા માટે, ત્રણ ટેસ્ટ મેચની શૃંખલાઓમાં કુલ્લે દસ ટેસ્ટ મેચો રમી અને જીત હાંસલ કરવાનો મોટો પડકાર લઈને આવી રહ્યા છે. જોકે ભારત, ત્રણ માંથી બે શૃંખલાઓ (પાંચ ટેસ્ટ) બાંગ્લાદેશ (બે ટેસ્ટ) અને ન્યૂઝીલૅન્ડ (ત્રણ ટેસ્ટ) સામે રમશે. આ બંને શૃંખલાઓ ભારત પોતાની ભૂમિ પર રમશે માટે પ્રમાણમાં આ બંને સરળ દેખાય છે. ખરાખરીનો ખેલ તો ત્રીજી શૃંખલા, જે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર રમશે (પાંચ ટેસ્ટ) તે છે. WTC ના કોષ્ટક ઉપર ભારત અત્યારે પ્રથમ ક્રમાંક પર છે. એક ગણતરી પ્રમાણે ભારતને ફરી WTC ના અંતિમ મુકાબલામાં પંહોચવા માટે, કુલ દસ ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ માં જીત અને એક માં ડ્રો ના પરિણામ ની જરૂર છે. આ પરિણામ તેમને WTCના કોષ્ટક પર 60% થી ઉપર અને કમ સે કમ બીજા સ્થાને રાખશે. એનો મતલબ કે જો ભારત ઘર આંગણે રમાનારી બધીજ ટેસ્ટ મેચો જીતી જાય તો ઓસ્ટ્રેલિયાની શૃંખલા મહદ અંશે ઓછા દબાણ વળી બની જાય. જોકે આ વાત એટલી સરળ અને સીધી નથી જેટલી કાગળ ઉપર લાગે. અને ઓસ્ટ્રલિયા ની શ્રેણી બે મહારથીઓ નો જંગ છે, માટે તેની વાત જરા જુદી છે.
પ્રથમ શ્રેણી, બે ટેસ્ટ મેચની, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બર થી શરુ થાય છે. બાંગ્લાદેશે તાજેતરમાંજ તેમના ક્રિકેટ ઇતિહાસમાં કદાચ સૌથી વધુ મોટી કહેવાય તેવી જીત પાકિસ્તાનને તેમની ધરતી ઉપર 2-0 થી હરાવીને હાંસલ કરી છે. માટે તેમનો આત્મવિશ્વાસ અત્યારે ગગનચુંબી હશે. અલબત્ત ભારતને ભારતની ધરતીપર શ્રેણીની હાર આપવી તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ કેવી સશક્ત ટીમોને પણ અઘરું લાગ્યું છે. પણ બાંગ્લાદેશની ટીમને હવે કોઈ પણ પરિસ્થિતિમાં હળવાશથી લેવાય તેમ નથી તેવું મારુ માનવું છે. શક્ય છે કે તેઓ એકાદ ટેસ્ટ જીતે અથવા ડ્રોમાં લઇ જાય. આ વાતનું ખાસ કારણ, મારી દ્રષ્ટિએ, બાંગ્લાદેશના બેટધરોની સ્પિન બોલિંગ રમવાની ક્ષમતા, જે બીજા SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશો ના બેટધરો જેટલીજ અથવા થોડી વધારે કહેવાય. સામે પક્ષે ભારતના અત્યારના બેટધરોની સ્પિન બોલિંગ રમવાની ક્ષમતા થોડી ઓછી થઇ દેખાય છે. તાજેતરમાં શ્રી લંકામાં રમાયેલી એકદિવસીય શ્રેણી અને છેલ્લી બાંગ્લાદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી જે સ્પિનવાળી પીચો ઉપર રમાઈ હતી, તેમાં ભારતના બેટધરોનો દેખાવ બહુ આત્મવિશ્વાસ પ્રેરે તેવો ન હતો. આના પ્રમાણમાં ન્યૂઝીલૅન્ડની ટીમ સ્પિન રમવામાં હજુ એટલી કાબેલ નથી થઇ અને તેમના સ્પિન બોલરો બાંગ્લાદેશ જેટલા સક્ષમ નથી તેવું મારુ માનવું છે. માટે ભારત બાંગ્લાદેશને ઝડપી બોલરોને મદદ થાય તેવી અને ન્યૂઝીલેન્ડને સ્પિન બોલરોને મદદ થાય તેવી પીચો ઉપર રમાડશે તો નવાઈ નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં મારા હિસાબે આ પાંચમાંથી પાંચ ટેસ્ટ મેચો જીતવી ભારત માટે એટલું સરળ નથી જેટલું પહેલા માની લઇ શકતા હતા.
ઓસ્ટ્રેલિયાની શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમો માટે કોઈ અલગ જ અગત્યતા ધરાવે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ ક્રિકેટનો મહાજંગ છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ઓસ્ટ્રેલિયાની ટીમના ચાહકોની, આવી રહેલી શ્રેણી પ્રત્યેની ઉત્કંઠાથી આ શ્રેણીની અગત્યતા માપી શકાય તેમ છે. એનું ખાસ કારણ છે ભારતે ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે શ્રેણીઓમાં તેમના ઘરઆંગણે આંચકાજનક પરાજય આપ્યો તે. ઓસ્ટ્રેલિયાની ટીમ, તેમનો ચાહકવર્ગ અને આખો દેશ આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પરત મેળવવા અધીર છે. આ શ્રેણીનું પરિણામ WTC ના અંતિમ મુકાબલા કરતાં પણ, બંને ટીમ અને તેમના ચાહકો માટે વધુ અગત્યનું છે. ઓસ્ટ્રેલિયાને તેમની છેલ્લી 7 ટેસ્ટ મેચોમાંથી ચારમાં વિજય જોઈએ છે. તેમની બે ટેસ્ટ મેચો શ્રી લંકામાં રમવાની છે જે તેમના માટે મોટો પડકાર બનશે. માટે તેઓ ભારતની શ્રેણીમાંથી વધુમાં વધુ વિજય મેળવવા તત્પર રહેશે. આ હિસાબે, આ વર્ષની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શૃંખલા ખુબ રસાકસી ભરી અને રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ, પર્થ શહેરમાં તા. 22 નવેમ્બરથી શરુ થાય છે. આ શ્રેણી સંપન્ન થશે પરંપરાગત નવા વર્ષની સિડનીની પાંચમી અનેછેલ્લી ટેસ્ટ મેચ દ્વારા; જે શરુ થશે તા.3 જાન્યુઆરી 2025 ના રોજ. આ વખતના ઓસ્ટ્રેલિયાના ઉનાળામાં સૂર્યદેવતા સાથે આ શ્રેણી પણ વિશેષ ગરમાવો લાવશે તેમાં કોઈ શંકા નથી!
અંગ્રેજીમાં કહીયે તો: tighten your seat belts for a rollercoaster ride!