ભારતની ટીમ થોડા સમયની નિષ્ક્રિયતા બાદ ફરી ખુબ વ્યસ્ત બની જવાની છે. એકદિવસીય સ્પર્ધાઓ ઉપરથી ધ્યાન ખસેડી હવે પાંચ દિવસીય ટેસ્ટ ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવ્યો છે. ભૂતકાળના ક્રિકેટની સરખામણીમાં જો કોઈ મહત્વનો ભેદ હોય તો તે છે આ ટૂંકા સમયગાળામાં રમતના ફોરમેટ નો બદલાવ. T 20 અને પચાસ ઓવર ના ઝડપી બદલાવ વાળા ફોરમેટમાંથી ટેસ્ટ ક્રિકેટના ધીમા પણ કસોટીપૂર્ણ ફોરમેટને અનુકૂળ બનવું તે આજની પેઢીના ખેલાડીઓ માટે સૌથી મોટો અને અગત્યનો પડકાર છે. માટેજ આપણે જોઈએ છીએ કે મોટા પ્રમાણમાં ક્રિકેટરો, ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા હોય છે, તે આ ત્રણ જાતના ફોરમેટ ને અનુકૂળ તેમની રમતને બનાવી શકવામાં અને ખાસ કરીને ત્રણે ફોરમેટમાં લાંબી કારકિર્દી સ્થાપિત કરવામાં અસફળ રહે છે. ખુબ ઓછા એવા ખેલાડીઓ છે કે જે ત્રણેય ફોરમેટમાં લાંબી કારકિર્દી સ્થાપિત કરી શક્યા છે. આ ખેલાડીઓ રમતના સાચા હીરા છે. દરેક ફોરમેટની પોતાની એક જરૂરિયાત છે જે પ્રમાણે ખેલાડીને બેટિંગ અથવા બોલિંગ બંનેમાં ફેરફાર કરવો પડે છે. આ શારીરિક કરતા વધુ માનસિક પડકાર છે. ટૂંકા ગાળાની રમતોના પ્રમાણમાં ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીની સાચી પરીક્ષા થાય છે કારણ કે પ્રતિસ્પર્ધી સામે લાંબો સમય સુધી સ્પર્ધાત્મક રહેવું પડે છે. ટેસ્ટ મેચના પાંચ દિવસ અને દરેક દિવસમાં ત્રણ સત્ર, એમ કુલ પંદર સત્રની આ લડાઈ છે. બે-ત્રણ સત્ર જીતવાથી ટેસ્ટ મેચ જીતાતી નથી. બેટધરને જોઈએ આખા દિવસ ઉભા રહી રન બનાવવાની શક્તિ, ધૈર્ય અને એકાગ્રતા. જયારે બોલરને જોઈએ આખો દિવસ, વિપરીત પરિસ્થિતિમાં પણ, ગુંદર લઈને ક્રિસ ઉપર ચોંટી ગયેલા પ્રતિસ્પર્ધી બેટધરોને ઉખાડીને પેવિલિયનભેગા કરવાનું કૌશલ્ય, ધૈર્ય અને સામર્થ્ય! એકદિવસીય ક્રિકેટની માનસિકતામાંથી ટેસ્ટ ક્રિકેટની માનસિકતામાં પરિવર્તિત થઇ શકવું તે આજની પેઢીના આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતા ખેલાડીઓ માટે એક લિટ્મસ ટેસ્ટ બરાબર છે. ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ આવા પ્રયત્નો કરવાના બદલે, માત્ર એક ફોરમેટમાંજ અને ખાસ કરીને T20 માંજ પોતાનું ભવિષ્ય શોધતા હોય છે. અત્યંત પ્રતિભાશાળી અને કોઈ પણ ફોરમેટમાં ખુબ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત શકે તેવા તેવા ભારતના હાર્દિક પંડ્યા અને વેસ્ટ ઇન્ડિઝ ના નિકોલસ પૂરન આ નવી પેઢીની બદલાયેલી માનસિકતાના જીવંત ઉદાહરણ છે. T 20 ફ્રેન્ચાઈઝ ક્રિકેટમાં હવે પ્રતિભાસંપન્ન ખેલાડીઓને ટૂંકી રમત રમીને પણ ખુબ સારું વેતન મળતું થઇ ગયું છે, તે બીજો અગત્યનો મુદ્દો પણ જરૂર કહેવાય! માત્ર ખેલાડીઓને જ નહીં પણ ખાસ કરીને નવી પેઢીના ક્રિકેટ રસિકોને પણ આવી શોર્ટ ફોરમેટ ક્રિકેટની સુનામી વહાવીને ટેસ્ટ ક્રિકેટ થી અળગા કરી શકે છે તેવી શંકા અને ચિંતા, રમતના ઘણા તજજ્ઞો સેવતા થઇ ગયા છે. આજ કારણે ICC અને તેના અગત્યના ઘટકો ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડનો ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો અભિગમ, ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે જીવાદોરી સમાન છે. ક્રિકેટના નવા રસિકોને લાંબા ફોરમેટ તરફ આકર્ષવા માટે બધી ટેસ્ટ મેચો સ્પર્ધાત્મક અને રસપ્રદ બની રહે તે ખુબ અગત્યનું છે. આ જ કારણે તાજેતરમાં બાંગ્લાદેશની ટીમનો 24 વર્ષ બાદ પ્રથમ વખત પાકિસ્તાનની ધરતી ઉપર સિરીઝ વિજય, મારી દ્રષ્ટિએ એક મહત્વની ઘટના કહેવાય. આવા પરિણામો વિજેતા ટીમોના ચાહકવર્ગને ટૂંકા ફોરમેટમાંથી ટેસ્ટ ક્રિકેટ ભણી ખેંચી લાવવામાં સફળ થઇ શકે છે. ટેસ્ટ ક્રિકેટમાં વર્તમાનમાં નબળી સાબિત થતી ટીમો જેવીકે બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રી લંકા, પરંપરાગત સબળ ટીમો સામે આવા આંચકાજનક પરિણામો પેદા કરી શકે તે ટેસ્ટ ક્રિકેટના ભવિષ્ય માટે ખુબજ લાભદાયી થઇ શકે છે. નવી પેઢીના ક્રિકેટના ચાહકવર્ગને ટેસ્ટ ક્રિકેટ તરફ આકર્ષવા માટે નબળી ટીમોએ સબળી ટીમો સામે વધુ લડાયક બનવું જરૂરી છે. તે માટે આ દેશોના નવ યુવાન ઉગતા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે આકર્ષવા તેમના ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રોત્સાહન આપવું પડશે. ક્રિકેટની રમતના સંચાલકો માટે આ એક ખુબ મોટો પડકાર છે. આવા સમયમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી પ્રતિયોગિતા ખુબ જ અગત્યની બની જાય છે.

ભારતની ટીમ માટે આવી રહેલા ચાર મહિના, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ના અંતિમ મુકાબલામાં પહોંચવા માટે, ત્રણ ટેસ્ટ મેચની શૃંખલાઓમાં કુલ્લે દસ ટેસ્ટ મેચો રમી અને જીત હાંસલ કરવાનો મોટો પડકાર લઈને આવી રહ્યા છે. જોકે ભારત, ત્રણ માંથી બે શૃંખલાઓ (પાંચ ટેસ્ટ) બાંગ્લાદેશ (બે ટેસ્ટ) અને ન્યૂઝીલૅન્ડ (ત્રણ ટેસ્ટ) સામે રમશે. આ બંને શૃંખલાઓ ભારત પોતાની ભૂમિ પર રમશે માટે પ્રમાણમાં આ બંને સરળ દેખાય છે. ખરાખરીનો ખેલ તો ત્રીજી શૃંખલા, જે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર રમશે (પાંચ ટેસ્ટ) તે છે. WTC ના કોષ્ટક ઉપર ભારત અત્યારે પ્રથમ ક્રમાંક પર છે. એક ગણતરી પ્રમાણે ભારતને ફરી WTC ના અંતિમ મુકાબલામાં પંહોચવા માટે, કુલ દસ ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ માં જીત અને એક માં ડ્રો ના પરિણામ ની જરૂર છે. આ પરિણામ તેમને WTCના કોષ્ટક પર 60% થી ઉપર અને કમ સે કમ બીજા સ્થાને રાખશે. એનો મતલબ કે જો ભારત ઘર આંગણે રમાનારી બધીજ ટેસ્ટ મેચો જીતી જાય તો ઓસ્ટ્રેલિયાની શૃંખલા મહદ અંશે ઓછા દબાણ વળી બની જાય. જોકે આ વાત એટલી સરળ અને સીધી નથી જેટલી કાગળ ઉપર લાગે. અને ઓસ્ટ્રલિયા ની શ્રેણી બે મહારથીઓ નો જંગ છે, માટે તેની વાત જરા જુદી છે.
પ્રથમ શ્રેણી, બે ટેસ્ટ મેચની, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બર થી શરુ થાય છે. બાંગ્લાદેશે તાજેતરમાંજ તેમના ક્રિકેટ ઇતિહાસમાં કદાચ સૌથી વધુ મોટી કહેવાય તેવી જીત પાકિસ્તાનને તેમની ધરતી ઉપર 2-0 થી હરાવીને હાંસલ કરી છે. માટે તેમનો આત્મવિશ્વાસ અત્યારે ગગનચુંબી હશે. અલબત્ત ભારતને ભારતની ધરતીપર શ્રેણીની હાર આપવી તે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ કેવી સશક્ત ટીમોને પણ અઘરું લાગ્યું છે. પણ બાંગ્લાદેશની ટીમને હવે કોઈ પણ પરિસ્થિતિમાં હળવાશથી લેવાય તેમ નથી તેવું મારુ માનવું છે. શક્ય છે કે તેઓ એકાદ ટેસ્ટ જીતે અથવા ડ્રોમાં લઇ જાય. આ વાતનું ખાસ કારણ, મારી દ્રષ્ટિએ, બાંગ્લાદેશના બેટધરોની સ્પિન બોલિંગ રમવાની ક્ષમતા, જે બીજા SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા) દેશો ના બેટધરો જેટલીજ અથવા થોડી વધારે કહેવાય. સામે પક્ષે ભારતના અત્યારના બેટધરોની સ્પિન બોલિંગ રમવાની ક્ષમતા થોડી ઓછી થઇ દેખાય છે. તાજેતરમાં શ્રી લંકામાં રમાયેલી એકદિવસીય શ્રેણી અને છેલ્લી બાંગ્લાદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણી જે સ્પિનવાળી પીચો ઉપર રમાઈ હતી, તેમાં ભારતના બેટધરોનો દેખાવ બહુ આત્મવિશ્વાસ પ્રેરે તેવો ન હતો. આના પ્રમાણમાં ન્યૂઝીલૅન્ડની ટીમ સ્પિન રમવામાં હજુ એટલી કાબેલ નથી થઇ અને તેમના સ્પિન બોલરો બાંગ્લાદેશ જેટલા સક્ષમ નથી તેવું મારુ માનવું છે. માટે ભારત બાંગ્લાદેશને ઝડપી બોલરોને મદદ થાય તેવી અને ન્યૂઝીલેન્ડને સ્પિન બોલરોને મદદ થાય તેવી પીચો ઉપર રમાડશે તો નવાઈ નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં મારા હિસાબે આ પાંચમાંથી પાંચ ટેસ્ટ મેચો જીતવી ભારત માટે એટલું સરળ નથી જેટલું પહેલા માની લઇ શકતા હતા.
ઓસ્ટ્રેલિયાની શ્રેણી ભારત અને ઓસ્ટ્રેલિયા બંનેની ટીમો માટે કોઈ અલગ જ અગત્યતા ધરાવે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ ક્રિકેટનો મહાજંગ છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ઓસ્ટ્રેલિયાની ટીમના ચાહકોની, આવી રહેલી શ્રેણી પ્રત્યેની ઉત્કંઠાથી આ શ્રેણીની અગત્યતા માપી શકાય તેમ છે. એનું ખાસ કારણ છે ભારતે ઓસ્ટ્રેલિયાને છેલ્લી બે શ્રેણીઓમાં તેમના ઘરઆંગણે આંચકાજનક પરાજય આપ્યો તે. ઓસ્ટ્રેલિયાની ટીમ, તેમનો ચાહકવર્ગ અને આખો દેશ આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પરત મેળવવા અધીર છે. આ શ્રેણીનું પરિણામ WTC ના અંતિમ મુકાબલા કરતાં પણ, બંને ટીમ અને તેમના ચાહકો માટે વધુ અગત્યનું છે. ઓસ્ટ્રેલિયાને તેમની છેલ્લી 7 ટેસ્ટ મેચોમાંથી ચારમાં વિજય જોઈએ છે. તેમની બે ટેસ્ટ મેચો શ્રી લંકામાં રમવાની છે જે તેમના માટે મોટો પડકાર બનશે. માટે તેઓ ભારતની શ્રેણીમાંથી વધુમાં વધુ વિજય મેળવવા તત્પર રહેશે. આ હિસાબે, આ વર્ષની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શૃંખલા ખુબ રસાકસી ભરી અને રસપ્રદ બની રહેશે તેમાં કોઈ શંકા નથી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પહેલી ટેસ્ટ મેચ, પર્થ શહેરમાં તા. 22 નવેમ્બરથી શરુ થાય છે. આ શ્રેણી સંપન્ન થશે પરંપરાગત નવા વર્ષની સિડનીની પાંચમી અનેછેલ્લી ટેસ્ટ મેચ દ્વારા; જે શરુ થશે તા.3 જાન્યુઆરી 2025 ના રોજ. આ વખતના ઓસ્ટ્રેલિયાના ઉનાળામાં સૂર્યદેવતા સાથે આ શ્રેણી પણ વિશેષ ગરમાવો લાવશે તેમાં કોઈ શંકા નથી!
અંગ્રેજીમાં કહીયે તો: tighten your seat belts for a rollercoaster ride!
Leave a reply to deepoz Cancel reply