એશિયા કપની જીત સાથે ઉભો થયો પ્રશ્ન — શું રમતને રાજકારણથી ખરેખર દૂર રાખી શકાય?

તમારો પાડોશી છેલ્લા પંચોતેર વર્ષથી તમારા વિરુદ્ધ સતત યુદ્ધ ચલાવી રહ્યો છે — સૈન્યની કાર્યવાહી દ્વારા પણ અને આતંકવાદ દ્વારા પણ. તમે આ બધું સહન કર્યું, હંમેશા પ્રતિસાદ ફક્ત આક્રમણના જવાબમાંજ આપ્યો. પરંતુ હવે, જ્યારે તમારા નિર્દોષ નાગરિકો રજાઓ માણતા હોય અને તેમના પરિવારની સામે તેમની હત્યા થાય, ત્યારે તમારી સંસ્કૃતિએ શીખવેલી સહનશીલતા કાયરતામાં પરિણમે — જો યોગ્ય પ્રતિસાદ ન અપાય તો. આ હવે વિવાદ નહીં, યુદ્ધ છે.
બહિષ્કારની વાત સરળ છે પણ વાસ્તવિકતા? વારંવાર કહેવામાં આવે છે કે રમત અને રાજકારણને એકબીજાથી દૂર રાખવા જોઈએ. પણ આ સલાહ આપવી સહેલી છે, અનુસરવી કઠિન છે. જ્યારે તમારો દેશ પોતાના જ નાગરિકોના રક્તથી રંજાઈ રહ્યો હોય, ત્યારે મેદાનમાં દુશ્મન સાથે હાથ મિલાવવો વ્યર્થ લાગે છે. આવી સ્થિતિમાં રમત આપમેળે ગૌણ બની જાય છે. આપણે કહી શકીએ કે “દુશ્મન સામે ન રમવું” એ જ ઉકેલ. ન તમારી ટીમ મોકલવી, ન તેમની આવકારવી. દ્વિપક્ષીય મુકાબલામાં આ શક્ય છે, પણ બહુદેશીય સ્પર્ધાઓમાં મુશ્કેલ. સ્પર્ધામાં ભાગ ન લેવાથી તમે સ્પષ્ટ સંદેશો જરૂર આપો છો, પણ સાથે ખેલાડીઓને તેમની તકથી વંચિત પણ કરો છો. સ્પર્ધા નબળી પડી જાય છે અને રમતનો મૂળ હેતુ — સ્પર્ધા — અપૂરતો રહે છે.
આજની રમત માત્ર શોખ નથી; એ વૈશ્વિક ઉદ્યોગ છે. લાખો લોકોની આજિવિકા તેના પર આધારિત છે. અન્ય વ્યવસાયો કરતા ખેલાડીઓની કારકિર્દી ખૂબ ટૂંકી હોય છે; તેથી દરેક તક તેમના માટે નિર્ણાયક હોય છે. જ્યારે આપણે ખૂબ સરળતાથી બહિષ્કારની સલાહ આપી દઈએ છીએ, ત્યારે આ હકીકત ભૂલી જઈએ છીએ. ભારતને આવી સલાહ ભારતની બહારથી બીજા દેશોના ખેલાડીઓ અને વિવેચકો તરફથી પણ ખૂબ મળી; એવા દેશો કે જેમનો ઇતિહાસ કહે છે કે તેઓ રાજકારણને રમતથી દૂર રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે! ઇંગ્લૈંડ અને ઓસ્ટ્રેલિયા, બન્ને જ્યારે માફક આવે ત્યારે રાજકારણ કરે અને માફક આવે ત્યારે સલાહ આપે! આ તેમના માટે સ્વભાવગત વાત છે. આ બન્ને દેશોને આતંકવાદનો અનુભવ ભારતના પ્રમાણમાં ઘણો ઓછો છે. પોતાની ધરતી ઉપર યુદ્ધ થાય ત્યારે સાચો અનુભવ થાય. કહે છે ને કે જ્યાં સુધી પગ નીચે રેલો ના આવે ત્યાં સુધી સલાહ આપવી સરળ છે!
ભારત માટે તાજા સંજોગોમાં એક સહેલો જવાબ હતો — ભારતે એશિયા કપમાં ભાગ ન લેવો જોઈએ. ભારતમાં રાજકીય વિરોધીઓએ એ જ માગણી કરી, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યાં, ટીવી તોડ્યાં. પરંતુ તેમણે પરિણામો વિચાર્યા? ભારત વિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું ટૂર્નામેન્ટ ચલાવવું મુશ્કેલ બને, કારણ કે મોટાભાગના સ્પોન્સર ભારતીય બજાર પર આધારિત છે. ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયાના વિશ્લેષકો વારંવાર ભારતને “વિશ્વ ક્રિકેટનો મોટો ભાઈ” હોવાના અને તે પ્રમાણે તેમનો અભિગમ અપનાવવાની સલાહ આપતા રહેતા હોય છે. આ સંજોગોમાં ભારતની હાજરી અનિવાર્ય છે.
બીજી તરફ, પાકિસ્તાનને આથી લાભ માત્ર છે — તેની ક્રિકેટ વ્યવસ્થા ભારતીય દર્શકો અને સ્પોન્સરોના પૈસાથી ચાલે છે, ભલે તેનું રાજકીય તંત્ર આતંકવાદને ટેકો આપતું રહે. આ વિપરીત પરિસ્થિતિમાં ભારત અને BCCI માટે વિકલ્પો ખૂબ મર્યાદિત રહી જાય છે. છતાં ભારત સરકારે વિસ્તારપૂર્વક વિચાર કરીને ભારતની ટીમને એશિયા કપમાં ભાગ લેવાની મંજૂરી આપી.
પણ ખેલાડીઓ નું શું?
ખેલાડીઓ કરારબદ્ધ વ્યાવસાયિકો છે; પોતાના નિર્ણયથી મેચ ન રમવાનું પસંદ કરી શકતા નથી. તેથી તેમની લાગણીઓને વ્યક્ત કરવાની એક માત્ર રીત પ્રતીકાત્મક હતી — દુશ્મન સાથે હાથ ન મિલાવવો. આ હાવભાવ તેમની અંદરની વેદનાનું પ્રતિબિંબ હતું. સ્વાભાવિક છે કે કેટલાક લોકોએ તેને “અનૈતિક” અને “ખેલભાવના વિરુદ્ધ” ગણાવી દીધું. પરંતુ આ એ જ લોકો છે, જે પોતાના હિતમાં રાજકારણને રમતમાં ઘૂસાડી દેતા બિલકુલ અચકાતા નથી, અને તક મળે ત્યારે ઉપદેશ આપવાનું પણ ચુકતા નથી કે “રમતને રાજકારણથી દૂર રાખો.”
પુરસ્કાર વિતરણ દરમિયાન પાકિસ્તાનના આંતરિક મંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસિન નકવી ભારતના વાંધા છતાં પોતે ટ્રોફી આપવા તત્પર રહ્યા. તેટલુજ નહીં, પણ જો ભારતીય ટીમ તેમની ઈચ્છા વિરુદ્ધ જાય તો તેમને ટ્રોફી અને પદક આપવાની ધરાર ના કહી ટ્રોફી લઈ પોતાની હોટેલ ચાલ્યા ગયા! જાણે ટ્રોફી તેમના બાપની જાગીર હોય! મેં આવી બાલિશ વર્તણુંક અત્યાર સુધી કોઈ પણ પ્રશાસક તરફથી જોઈ નથી. તે ભલે નાનામાં નાની સ્પર્ધા હોય કે આંતરરાષ્ટ્રીય સ્તર ની. એક સાચા પ્રશાસક માટે ખેલનો આત્મા સર્વોચ્ચ હોવો જોઈએ — પોતાનો અહંકાર નહીં. વિજેતાઓને તેમના પદક અને તેમનું સન્માન મળે તે વાત વધુ અગત્યની છે, કોણ ટ્રોફી આપે તે નહીં. નકવી ઈચ્છતા તો વિવાદ ટાળી શકતા, પણ તેમણે રાજકીય નાટકને પસંદ કર્યું. પરિણામે, રમતની પ્રતિષ્ઠાને નુકસાન થયું. અને આ વિવાદ માટે માત્ર ભારતને દોષ દેનારા, દેશની બહાર કે દેશની અંદર; ક્યાં તો પોતાની આંખે પાટા બાંધી ચાલનારા છે કયા તો નકરા દંભી!
આ તમામ નાટક છતાં ભારતે એશિયા કપમાં નવમી વાર વિજય મેળવ્યો. ટ્રોફી વ્યક્તિગત રીતે ન મળવી તે એટલું નુકસાન નથી, જેટલું ACC અને તેના પ્રમુખના વર્તનથી રમતની ગરિમાને પહોંચ્યું છે. ભારતે કંઈ ગુમાવ્યું નથી — પરંતુ રમતને ઘણું ગુમાવવું પડ્યું છે.
આગળ શું?
આ પ્રસંગ કદાચ એશિયન ચેમ્પિયનશિપ માટે એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે. મારુ માનવું છે કે આ સ્પર્ધા હવે મૃતપ્રાય થાય અથવા થોડા દશકો પૂરતી સ્તગીત થાય. ACC પણ વિલંબિત પરિસ્થિતિમાં રહેશે. પાકિસ્તાનમાં પણ હવે એવી માંગ ઉઠશે કે તેઓ ભારત સામે ન રમે. વારંવાર હારની પીડા એક કારણ જરૂર હશે, પણ ભારતના કડક વલણના કારણે તથા બળતામાં ઘી હોમવા જેવી મોહસિન નકવીની બાલિશ હરકતના કારણે સામાન્ય લોકોને થયેલી અપમાનની લાગણી એ મોટું કારણ બનશે. મારી દ્રષ્ટિએ આ સૌથી વધુ અગત્યની વાત છે. અત્યાર સુધી ભારત એક ગાલ પર તમાચો ખાઈને બીજો ગાલ ધરતું રહ્યું હતું અને પાકિસ્તાન ભારતના તંત્રને જીભ બતાવીને લલકાર્યા કરતું હતું. લાંબા સમયથી રમવું કે નહીં તે નિર્ણય લેવાની જવાબદારી માત્ર ભારત પર હતી. હવે પહેલી વાર પાકિસ્તાનના વહીવટી તંત્રને પોતાના લોકોના દબાણનો અને ભારત સામે રમવાના નિર્ણય સામે વિરોધનો સામનો કરવો પડશે. પગ નીચે રેલો આવી રહ્યો છે. પાકિસ્તાન માટે આ એક નવી પરિસ્થિતિનું નિર્માણ છે તેવું મારુ માનવું છે. જોકે પાકિસ્તાનમાં સામાન્ય અવામને ભાગ્યે કોઈ સાંભળતું હશે. પણ હું માનું છું કે નકવીના આ નાટકથી, અંદરખાનેથી ત્યાંનો નિર્ણાયક સમુદાય પણ નાખુશ હશે. નકવી ભલે ભારતને ટ્રોફી ના લેવા દઈને ખુશીથી ફુલાતા હોય; ભલે તેમના સોશિયલ મીડિયાના કલાકારો સાચી પરિસ્થિતિ છુપાવવા પ્રયત્નશીલ રહે. હકીકતે તો પાકિસ્તાનના ક્રિકેટતંત્રને એક તમાચો કદાચ પહેલી વાર લાગ્યો છે, જે વાત અત્યારે નહીં પણ થોડા સામે બાદ તેમનાજ ચાહકો કહેશે. ગુજરાતીમાં એક સરસ કહેવત છે; મિયાં પડ્યા પણ ટંગડી ઊંચી! આ ટંગડી ક્યાં સુધી ઊંચી રહે છે, તે સમય કહેશે..
Leave a comment