ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે કૈંક કહેવું હોય તો લગભગ 99% શબ્દો એકજ ખેલાડી વિશે કહેવા પડે. જસપ્રીત બૂમરાની હાજરી આ શ્રેણી દરમ્યાન એક વિશાળકાય માનવપ્રતિમા ની જેમ દ્રશ્યમાન રહી. અને તે વાત છેલ્લી ટેસ્ટની છેલ્લી ઇંનિંગ દરમ્યાન તેમની ગેરહાજરી થી સાબિત થઇ. ત્યાં સુધી આ શ્રેણીનું પરિણામ સંતુલનમાં હતું. ઓસ્ટ્રેલિયાની ટીમના ચાહકો, પત્રકારો અને ચાલતી ગાડીમાં ચડી બેસનાર બીજા પ્રશંશકો જે અત્યારે બહાદુરીના દંભના નગારા વગાડી રહ્યા છે તેઓ બધાની જીભ સિવાઈ ગયી હોત , જો બૂમરા સિડની ટેસ્ટના છેલ્લા દિવસે હાથમાં બોલ લઈને મેદાનમાં ઉતર્યા હોત. આ દુનિયાનો દસ્તુર છે કે “જો જીતા વોહી સિકંદર”…. અને બાકી સબ બંદર! વિજય પછી આ જાતની છાતી પીટવામાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડના ચાહકોનો દુનિયાભરમાં જોટો જડવો મુશ્કેલ છે. જોકે ભારતીય પ્રશંસકો આ હરીફાઈમાં ધીરે ધીરે આગળ જરૂર વધી રહ્યા છે. પણ તેમની ખાસિયત છે જે હાર પછી, પોતાના જ ખેલાડીને એકજ મિનિટમાં સિંહાસન પરથી ઉતારીને બેઆબરૂ કરવામાં કોઈ કસર ના રાખવી. આ વાતનો પણ દુનિયામાં જોટો જડવો મુશ્કેલ છે. ભારતનો ક્રિકેટ ચાહક એક અજીબ પ્રાણી છે; જીતે તો માથે બેસાડે અને હારે તો ઠોકરે મારે! મારી દ્રષ્ટિએ આજ કારણે  આ વખતની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બંને પક્ષ માટે ખુબજ તણાવપૂર્ણ રહી. જોકે બંને ટીમોના ખેલાડીઓનું રમત કૌશલ્ય, લડાયકશક્તિ અને તેના કારણે હરીફાઈનું સ્તર એટલું ઊંચું રહ્યું કે જે વર્ષો સુધી બધાજ ચાહકો યાદ કરશે. અત્યારે જયારે આ લડાઈની ધૂળની ડમરીઓ ધીરે ધીરે ઠરીઠામ થઇ રહી છે ત્યારે વિજેતા અને પરાજિત ખેલાડીઓની તસવીરોમાં બૂમરા એક એવા ખેલાડી તરીકે ઉભરી આવ્યાકે જેમની પ્રતિષ્ઠા ખૂબ વધી છે. અને આ એવી પરિસ્થિતિમાં કે જયારે સુપરસ્ટાર અને એક બ્રાન્ડ બની ગયેલ વિરાટ કોહલી અને રોહિત શર્મા બંનેની પ્રતિષ્ઠાને ખાસી હાનિ પહોંચી છે. ક્રિકેટ જગતમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ લોઢાના ચણા ચાવવા બરાબર ગણાય છે. કોહલી અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાના રાજા ગણાતા હતા; આ શૃંખલા દરમ્યાન રાજાને રંક બનતા જોયા. મારા જેવા ઘણા ભારતીય ક્રિકેટના ચાહકો માટે આ એક નવો અનુભવ છે. રોહિત શર્માને એવું કરવાની ફરજ પડી કે જે આજ સુધી ભારતના ક્રિકેટના ઇતિહાસમાં બન્યું ના હતું; સુકાનીને મધદરિયે સુકાન છોડી ઉપકપ્તાનને સુકાન થમાવવાની ફરજ પડી! ક્રિકેટ ની રમતમાં હીરો થી ઝીરો બનવામાં બહુ વાર નથી લાગતી. જાણતા તો હતા અને જોઈ પણ લીધું! ભારતને એક દાયકા પછી ઓસ્ટ્રેલિયા સામે શૃંખલાની હાર જોવાનો વારો આવ્યો અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ઉપરથી તેમનો કબજો છોડવાની ફરજ પડી. 3-1 થી હાર નું પરિણામ ભલે ઓસ્ટ્રેલિયા તરફી લાગે, પણ છેલ્લા દિવસ અને છેલ્લી સેશન સુધી ભારત પાસે શૃંખલા બરાબર કરવાની તક જરૂર હતી. મારા મત પ્રમાણે આ વાતનું શ્રેય લગભગ સંપૂર્ણપણે જસપ્રીત બૂમરાને જ  જાય છે.

ભારતની હારના કારણો શોધવામાં બહુ તકલીફ પડે તેવું નથી. મહદ અંશે જે ટીમ બીજી ટીમ  કરતા બહેતર રમતનું પ્રદર્શન કરે તેના ગળામાં વિજયમાળા પડતી હોય છે. મારા હિસાબે, આ શૃંખલામાં બંને ટીમોની રમત લગભગ બરાબર સ્તર પર રહી હતી પણ ભારતની ટીમે અગત્યની ક્ષણોમાં ભૂલ કરી રમતનો દોર પ્રતિસ્પર્ધીના હાથમાં આપી દીધો; ખાસ કરીને ચોથી ટેસ્ટ જે મેલબોર્નમાં રમાઈ, તેમાં. ભારતના પૂછડિયા ખેલાડીઓએ જબરદસ્ત લડાયક રમત બતાવીને ઓસ્ટ્રેલિયાની લીડ ઘણી ઓછી કરી દીધી હતી. તદ્ ઉપરાંત, ભારતના બોલરોએ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની 6 વિકેટો માત્ર 91 રનમાં ખેરવી લીધી હતી ત્યારે નબળી ફિલ્ડિંગ ના કારણે ઓસ્ટ્રેલિયાના પૂછડિયા ખેલાડીઓ બીજા 125 રન વધારે કરવામાં સફળ રહ્યા.  તદ્ઉપરાંત, છેલ્લી સેશનમાં સાત વિકેટો હાથમાં હોવા છતાં ભારતના બેટધરો મેચને ડ્રોમાં લઇ જવામાં નિષ્ફળ રહ્યાં. ખરેખર, આ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ  જીતી તેના કરતા ભારતે હારી તેવું કહેવું વધારે યોગ્ય રહેશે. તેવી જ રીતે સિડનીની છેલ્લી ટેસ્ટમાં બંને ટીમોના બેટધરો, આખી શૃંખલાની સૌથી ખરાબ કહેવાય તેવી પીચ ઉપર, તેજ બોલરોની સામે ઝૂકી પડ્યા હતા અને પહેલા દાવ બાદ બંને ટીમો પાસે જીતવાની પૂરી તક હતી. ત્યારે ફરી એક વખત ભારતના બેટધરો ઓસ્ટ્રેલિયા માટે પડકારરૂપ સ્કોર આપવામાં નિષ્ફળ ગયા. જોકે આ પીચ ઉપર 161 રનનો પડકાર પણ મુશ્કેલજનક હતો. પણ ખરે વખતે, ભારતનું સૌથી મોટું હથિયાર, જસપ્રીત બૂમરા ઈજાગ્રસ્ત થવાથી મેદાનમાં ઉતરી ના શક્યા અને ભારત પાસે ટેસ્ટ જીતીને શૃંખલા બરાબર કરવાનો સુનેહરો મોકો હાથમાંથી સરી ગયો. હું માનું છું કે આ પીચ ઉપર ચોથા દાવમાં રમવામાં જો ભારતે 225 રનનો પડકાર આપ્યો હોત તો બૂમરા વગરની બોલિંગ પણ ઓસ્ટ્રેલિયાને ભારે પડી જાત. અલબત્ત, બ્રિસ્બનમાં રમાયેલ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે રહ્યું અને જો ઇન્દ્રદેવની કૃપા ના હોત તો ઓસ્ટ્રેલિયા જરૂર શૃંખલામાં બઢત મેળવી લેત. ઓસ્ટ્રેલિયા માટે આ પરિણામ જરૂર આંચકાજનક હતું. ખાસ કરીને પર્થમાં રમાયેલ પહેલી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને કારમો પરાજાય આપ્યો જેમાં તેમના જુના ઘા તાજા થઇ ગયા હતા. એડિલેઈડમાં રમાયેલ બીજી પિન્ક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને શૃંખલામાં પરત આવવાનો મોકો જરૂર મળી ગયો જે ખૂબ જ અપેક્ષિત હતું. પણ પહેલી બે ટેસ્ટમાં જીત મેળવીને બ્રિસ્બન પહેલા શૃંખલામાં આગળ નીકળી જવાની અપેક્ષા ધૂળમાં મળી ગઈ હતી, તેથી ફરી 2021ની ગાબાની હારના ઘા તાજા થઇ ગયા હતા.

આ પાંચેય ટેસ્ટ મેચો જાણે બે બિલકુલ સરખા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે હેવી વેઇટ મુક્કાબાજીની સ્પર્ધા હોય તેવી રહી. દરેક રાઉન્ડ બાદ બંને લોહીલુહાણ થઇ જાય પણ બીજા રાઉન્ડમાં એજ તાકાત અને જુસ્સાથી પ્રતિસ્પર્ધી ઉપર તૂટી પડે અને દર્શકો માટે નક્કી કરવું મુશ્કેલ થાય કે વિજયી કોણ રહેશે. જો ભારતનું મુખ્ય હથિયાર શૃંખલાની અંતિમ ક્ષણે ઈજાગ્રસ્ત ના હોત તો સ્કોરકાર્ડ પણ સાચી હકીકત બયાન કરી શકત. ખરેખર, આ કારણોસર આ શૃંખલામાં મેદાન ઉપર હાજર રહેનાર પ્રેક્ષકગણની સંખ્યાનો વિક્રમ તૂટ્યો અને એક યાદગાર શૃંખલા સર્જાઈ. સોશ્યિલ મીડિયા ઉપર બંને દેશના ચાહકવર્ગ વચ્ચે પણ તીખી નોક-ઝોક ચાલુજ રહી જે સ્પર્ધાની તીવ્રતાનું અદભુત ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયામાં આવીને તેમના ગઢને તોડવાનો અનુભવ ભારતની ટીમને છે અને છેલ્લા કેટલાય દાયકાઓમાં ભારત સિવાય બીજી કોઈ ટીમ આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકી નથી. માટેજ ઓસ્ટ્રેલિયનો ચાહકવર્ગ અને આખું પ્રચારતંત્રને, કોઈ પણ પ્રકારે પોતાની ટીમને જીતાડવા માટે પ્રયત્નશીલ હતું. તે માટે દર્શકોને, ખેલાડી હોય કે ભારતની ટીમના ચાહક હોય, તેમના સામે યુદ્ધના ધોરણે પ્રતિકાર કરવો તેવી નિષ્ઠાથી મેદાન માં આવતા જોયા. આ વાત જોકે ઓસ્ટ્રેલિયા માટે કોઈ નવી નથી; આજ કારણ છે કે ઓસ્ટ્રેલિયામાં કોઈ પણ મેચ જીતવી તે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પ્રતિસ્પર્ધીનું માનસિક વિઘટન કરવું તે ઓસ્ટ્રેલિયાની ખાસિયત છે; તેમાં માત્ર મેદાન પર ઉતારેલા ખેલાડીઓજ નહિ પણ આખો દેશ સામેલ થઇ જાય છે. અને આવી પરિસ્થિતિમાં જો પ્રતિસ્પર્ધી કોઈ મોકો આપી દે તો તે સોનામાં સુગંધ ભળ્યા બરાબર થાય. ભારતના  શરૂઆતના બેટધરોએ, ઓસ્ટ્રેલિયાને મોકો નહીં પણ મોકા આપ્યા!  તેમના બે મહાન બેટધરો , વિરાટ કોહલી અને કપ્તાન રોહિત શર્માની બેટિંગની દારુણ નિષ્ફળતા; બંને જણાને એક એક રન માટે ફાંફા મારતાં જોયા જેના કારણે નવયુવાન અને  ઓછા અનુભવવાળા બેટધરો ઉપર રન બનાવવાની જવાબદારી આવી પડી. આવા ભારે ભરખમ યુદ્ધમાં એક બે યોદ્ધાઓ સાથે એકાદ દિવસની લડાઈ જીતાય, આખું યુદ્ધ નહિ! ભારતના આ પરાજયની અગત્યની ચાવી તે તેમની પ્રથમ દાવની બેટિંગની સરિયામ નિષ્ફળતા. ઉપરાંત, વિરાટ કોહલી અને નવયુવક સામ કૉનસ્ટાસ વચ્ચે બનેલા બનાવે આખા ઓસ્ટ્રેલિયાને જાણે કોહલી, બીસીસીઆઈ, ભારત અને આખા ભારતની પ્રજા સામે પોતાની 2021ની હાર ની હતાશા કાઢવાનો એક મોકો આપી દીધો! ભારત માટે ત્રીજી ટેસ્ટ બાદ પરિસ્થિતિ વિકટ તો હતી જ. આ બનાવ બાદ ક્રિકેટ સિવાયના બીજા મુદ્દાઓ વધુ અગત્યના થઇ ગયા. બીસીસીઆઈ અને ભારતની તથાકથિત દાદાગીરી આખા ક્રિકેટ જગત માટે શ્રાપ રૂપ છે તેવા મંતવ્યો, જેણે જિંદગીમાં ક્રિકેટનું બેટ પણ ઊંચક્યું નહિ હોય તેવા અગણિત ખુરશી બબૂચકો…. કે વિવેચકો, નગારા વગાડી વગાડીને સોશ્યિલ મીડિયાની શેરીઓ ગજાવવા મંડ્યા; જાણે આ રમત મટીને યુદ્ધ ના હોય! ઘણા વખતે ઓસ્ટ્રેલિયાના ચાહકવર્ગને જાણે તેમની જન્મજાત દમદાટી આપવાની આદતને ભારત સામે ફરી વ્યવહારમાં મુકવાની તક મળી ગઈ! છેલ્લી બે શ્રેણીઓ દરમ્યાન તેમના વાકઃબાણો તેમના પોતાના ખેલાડીઓ પ્રત્યેજ સાધવા પડ્યા હતા. આ વખતે પુરા વેર ઝેર સાથે તેમને પ્રતિસ્પર્ધી જ નહિ પણ તેમના ચાહકવર્ગ સામે પણ ચલાવવાનો મોકો મળ્યો. જાણે વર્ષોથી તરસી રહેલાને શ્રાવણની હેલી મળી ! ખરેખર કહેવત સાચી થતા જોઈ કે: જો જીતા વોહી સિકંદર! મારે માટે થોડા ખેદ ની વાત છે કે આવી જબરદસ્ત સ્પર્ધાને ભૂલીને મહદ અંશે ઓસ્ટ્રેલિયાનો ચાહકવર્ગ, આ શ્રેણીને ખોટા અને મામૂલી વિવાદોના કારણસર યાદ રાખશે. અને ભારતનો ચાહકવર્ગ કોહલી અને રોહિતની વિરાટ કારકિર્દીને ભૂલી તેમની આ શ્રેણીની સરિયામ નિષ્ફળતાઓને જ યાદ રાખશે! ચાહક નો પ્રેમ અને પ્રકોપ, બંને શ્રાપ બની શકે છે…

મારા માટે બૂમરાનું ક્રિકેટ વ્યક્તિત્વ ઘણું મોટું તો હતુજ. આ શ્રેણીએ તો માત્ર તે માન્યતાને કાયદેસરતા આપી છે. આજથી છ વર્ષ પહેલા,  2018માં બોર્ડર-ગાવસ્કર શૃંખલામાં જયારે મેં તેમની બોલિંગની વેધકતા જોઈ હતી,  ત્યારથીજ મને તેમની કુશળતા સર્વ શ્રેષ્ઠ સ્તર પર છે, તેની ખાત્રી જ હતી. પણ છેલ્લા ત્રણ ચાર વર્ષ દરમ્યાન, ખાસ કરીને તેમની પીઠની શસ્ત્રક્રિયા બાદ, તેમની બોલિંગમાં જે વેધકતામાં વધારો જોયો છે તે કમાલની વાત છે. કોઈ પણ ક્ષેત્રમાં 95% ટકાવારી ઉપર પહોંચવું એટલું અઘરૂં નથી જેટલું છેલ્લા 5% ના સ્તરને પસાર કરવું! મારી દ્રષ્ટિએ બૂમરા આ છેલ્લા પાંચ ટકા ના સ્તરને વટાવી હવે શિખર ઉપર બિરાજમાન છે. અને હવે તેઓ ગયા જમાનાના બીજા થોડા મહાન બોલરોની હરોળમાં બેસવાને લાયક છે, તે વાત આ શ્રેણીથી સાબિત થઇ. સ્વાભાવિક છે કે આવો મહાન બોલર જયારે આપણી ટીમમાં હોય ત્યારે બીજા બોલરો તેમની સરખામણીમાં થોડા ફિક્કા જ લાગે. પણ, બીજા બોલરો માટે આ વાત ખુબ મદદરૂપ સાબિત થવી જોઈએ; કારણકે પ્રતિસ્પર્ધી બેટધર તે એક બોલરને છોડીને બીજા બોલરો તરફ આક્રમકઃ બનશે, જે તેમની વિકેટ ખેરવવામાં મદદરૂપ થઇ શકે છે. દુર્ભાગ્યે, બૂમરા ની સામે છેડે બોલિંગ કરનારા હરેક બોલરે આ શ્રેણીમાં તેમને જે ટેકો આપવો જોઈએ તે આપી ના શક્યા. અને તે પણ, આવી પાંચે પાંચ ટેસ્ટ મેચની પીચો ઉપર, કે જે તેજ બોલિંગને અતિશય મદદરૂપ હતી! જો બૂમરાને શ્રેણી દરમ્યાન સામે છેડેથી સતત ટેકો મળી ગયો હોત, તો તેમના ખભા ઉપર વિકેટ લેવાનો જે ભાર મુકાયો તે થોડો બીજાની વચ્ચે વહેંચાયો હોત અને તેમને થોડી ઓછી ઓવેરો નાખવી પડત. આ છેલ્લા દિવસે ખૂબ કામ લાગત. નવયુવાન બોલરો હર્ષિત રાણા અને આકાશદીપ બંનેને બે ટેસ્ટમાં રમવાના મોકા મળ્યા અને તેમણે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં રમતા હોવા છતાં જે પ્રદર્શન કર્યું તે વખાણવું જોઈએ. પણ નિરાશા સિરાજના પ્રદર્શનથી થઇ. તેમની આ ઓસ્ટ્રેલિયાની બીજી સફર હતી અને આ પહેલા તેમનું પ્રદર્શન ખૂબ સુંદર અને વિશ્વસનીય રહ્યું છે. મારી દ્રષ્ટિએ તેમની વેધકતામાં અભાવે બૂમરા ઉપર ભાર વધારી દીધો અને ઓસ્ટ્રેલિયાના બેટધરોને સુંદર મોકો મળી ગયો કે તેઓ બૂમરા સામે માત્ર ટકી જ રહેવાની યોજનાને ન્યાય આપી શકે. ક્રિકેટ એક ટીમ રમત છે. એકલ દોકલ ભલે મહારથી હોય, પણ તેમનાથી યુદ્ધના જીતાય. બુમરાની બોલિંગ જોતી વખતે મને હંમેશ આજ એક જૂનું ગીત યાદ આવી જતું..

સાથી હાથ બઢાના,  એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના…

જરૂર, ભારતની બેટિંગ ચાલી નહિ, તે પણ એક અગત્યનું પરિબળ સાબિત થયું. પણ આવી મુશ્કેલ વિકેટો ઉપર બેટધરોને માત્ર કૌશલ્ય નહિ પણ ખૂબ ખૂબ નસીબ ની પણ જરૂર પડતી હોય છે. કહેવાય છે કે ટેસ્ટ ક્રિકેટ માં 20 વિકેટ લઇ શકો તો જ વિજયી થાવ. મને ખાતરી છે કે જો ભારતનો બીજો, ત્રીજો અને ચોથો બોલર બીજા છેડેથી થોડું પણ દબાણ, સતત પણે રાખી શક્યો હોત, તો ભારત ફરી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી લઇ પરત થાત. શું અનુભવી મહંમદ શમી ની હાજરી ની ખોટ લાગી? શું ટીમ ના ગેરહાજર કપ્તાન, નવા કોચ અને તેમની નવી ટીમ અને ટીમ વચ્ચે વિસંવાદની વિવાદાસ્પદ અફવાઓએ પણ ભાગ ભજવ્યો? કોને ખબર, સાચી વાત તો ભારતના ડ્રેસિંગ રૂમ ની ભીંતો ઉપર બિરાજમાન થયેલી માખીઓજ બતાવી શકે!

મને તો આ શૃંખલા સદૈવ એક સરી ગયેલી સોનેરી તક તરીકે જ યાદ રહેશે….અને બૂમરા અને તેના પછીના શૂન્યાવકાશ માટે!

09-Jan-2025

Posted in

Leave a comment