
તેર નો આંકડો અપશુકનિયાળ ગણાય છે. પણ ન્યુઝીલેન્ડ માટે તે શુકનિયાળ સાબિત થયો! 70 વર્ષ સુધી ભારતની ધરતી પર મથ્યા પછી કિવીઝને સૌ પ્રથમ વાર શ્રેણીના વિજયનો આસ્વાદ ચાખવા મળ્યો. અને કહે છે ને કે “દેનેવાલા જબભી દેતા પુરા છપ્પર ફાડકે દેતા”. છેલ્લી 36 ટેસ્ટ મેચોમાં માત્ર બેજ ટેસ્ટ જીત્યા હતા પણ તે પછીની ત્રણે ત્રણ ટેસ્ટમાં વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા. મને ખાતરી છે કે તેમના ચાહકોને પણ આનંદના આંચકા આપ્યા હશે. આ ઉપરાંત આ શ્રેણી દરમ્યાન બીજા ઘણા નવા કીર્તિમાન પ્રસ્થાપિત થયા જેને અહીં લખવાથી માત્ર પુનરાવર્તનજ હશે. જોકે ભારતની ટેસ્ટ ટિમ માટે આ અનુભવ નવો કહેવાય. આજ દિન સુધી ભારતની ટેસ્ટ ટીમે 3 થી વધુ ટેસ્ટની શ્રેણીમાં બધીજ મેચો હારી વ્હાઈટવોશ નો અનુભવ કદાપિ કર્યો ન હતો; 1960/70ની ધરખમ વેસ્ટ ઇન્ડિઝ ટિમ સામે ની શ્રેણીમાં પણ નહીં! આદર સહીત કહું છું કે ભારતની ટીમને આવા આંચકા ન્યુઝીલૅન્ડની ટિમ આપશે તેવું જો આ શ્રેણીની શરૂઆતમાં કોઈએ કહ્યું હોત તો તેમની ગણતરી ગાંડામાં થાત! પણ કહેછે ને કે ધેર ઇસ ઓલ્વેઝ એ ફર્સ્ટ ટાઈમ ! કદાચ ભારતની ટિમ માટે એવો વિક્રમ જાળવી રાખવો દિન પ્રતિદિન અઘરું બનતું જતું હતું પણ આપણે સૌ અને બીસીસીઆઈના માંધાતાઓ પણ આવી રહેલા જોખમને જોઈ ના શક્યા. સાચું કહુતો છેલ્લા થોડા વર્ષો દરમ્યાન ટેસ્ટ ક્રિકેટમાં ભારતની છબી એક છેલ્લી સીમા જેવી બની ગયી હતી તેના કારણે દરેક પ્રતિસ્પર્ધી ટિમ ભારતને ભારતમાં હરાવવા માટે ખુબ પ્રયત્નશીલ રહેતી. ભારતમાં સ્પિન સામે રમવાની કાબેલિયત કેળવવી તે ખાસ કરીને SENA (સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલૅન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશો માટે ખુબ મુશ્કેલભરી વાત હતી. જેવી રીતે છેલા કેટલાક દાયકામાં ભારતની ટીમે ઝડપી અને ઉછાળવાળી પીચ ઉપર રમવામાં પારંગતતા કેળવવાની શરૂઆત કરી છે તેવીજ રીતે આ દેશના બેટધરો સ્પિન સામે વધુ કાબેલ બનતા જાય છે. અને સાથે સાથે તેમના સ્પિન બોલરો પણ ભારતની પીચ ઉપર કેવી રીતે વધુ અસરકારક બનવું તે શીખતાં જાય છે. ભારતને ભારતની ધરતી ઉપર શ્રેણીમાં હાર આપવી તે એક માત્ર સમયનો જ સવાલ અને અનિવાર્ય નિર્વિવાદ વાત હતી. પણ ત્રણ માંથી ત્રણે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતને આવી બુરી રીતે પછાડવું તે આટલું જલ્દી બની શકશે તેવું વિચારવું પણ શક્ય લાગતું ના હતું. કદાચ એવું કહેવાય કે ભારતની ટિમ તથા બીસીસીઆઈના આયોજકો ઊંઘતા ઝડપાયા. ભારતના ક્રિકેટમાં આવી અનપેક્ષીત ઉથલપાથલ જવલ્લેજ જોઈ છે. વર્ષો પહેલા, જયારે ભારતની ટીમનો ચાહકવર્ગ પોતાની ટિમ જયારે મેચને ડ્રોમાં લઇ જાય ત્યારે તેને વિજય માનીને આનંદથી મન મનાવી લેતો, તે વખતે પણ આવા કારમાં પરાજય નો અનુભવ નહતો કર્યો. કદાચ એવું હોય કે છેલ્લા કેટલાક દાયકા દરમ્યાન ભારતની ટેસ્ટ ટિમ ક્રમાંકમાં હરદમ ઉપર રહેતી હોવાથી આવા કારમા પરાજયની અપેક્ષા નહિવત થઇ ગઈ હતી. જીતતા રહેવું તે પણ એક શ્રાપ બની જતું હોય છે. કોઈ પણ રમતની આજ તો ખાસિયત છે. ચેમ્પિયન બનવું એટલું અઘરું નથી જેટલું હંમેશ સર્વશ્રેષ્ઠ બની રહેવું! અને ટેસ્ટ ક્રિકેટ જેવી જટિલ અને માનસિક રમતમાં હરદમ જીતતા રહેવું કોઈ પણ ટિમ માટે શક્ય નથી. માટે ભારતની શ્રેણીની હાર એટલી આંચકાજનક નથી. આઘાતજનક છે તો છે ત્રણે ટેસ્ટના પરિણામો અને ભારતના કહેવાતા ખમતીધર બેટધરોની પાંગળી બેટિંગ! આટલી હદે નિર્બળ બેટિંગનું પ્રદર્શન મેં ભારતની ધરતી ઉપર પહેલીવાર નિહાળ્યું છે. ત્રણે ત્રણ ટેસ્ટ મેચોમાં ભારતના બેટધરોના કંગાળ પ્રદર્શનના કારણેજ નતીજા ઠનઠન ગોપાલ!
આ શ્રેણીનું વિશ્લેષણ કરવું પણ અઘરું છે; મારા તમારા જેવા ક્રિકેટ રસિયાઓ જે ટીમના અંદરના માહોલથી વાકેફ નથી, તેઓતો આવા પરિણામના કારણોનું માત્ર અનુમાનજ કરી શકે! ક્રિકેટ એ સંગઠનની રમત છે. અગિયાર ખેલાડીઓમાંથી સર્વે ખેલાડીને પોતાનું વજન ઉઠાવવાનું હોય છે. લગભગ દરેક મેચમાં એક બે ખેલાડીઓની નિષ્ફળતા અપેક્ષિત હોય છે અને તે બીજા ખેલાડીઓની સફળતા પૂર્ણ કરી દે છે. પણ જયારે આખી ટીમના મહત્તમ બેટધરો એક સાથે નિષ્ફળ જાય ત્યારે આભ ફાટે ત્યારે ક્યાં થીંગડું દેવું, એવી પરિસ્થિતિ ઉભી થાય છે. આવી હાર માટે એકાદ બે ખેલાડીઓને માથે દોષારોપણ કરવું તે યોગ્ય ના કહેવાય. પણ ટીમમાં દુનિયામાં ઉત્કૃષ્ઠ ગણાતા બે ખેલાડીઓ , રોહિત શર્મા અને કિંગ કોહલીને જયારે એક એક રન માટે ફાંફા મારતાં જોઈએ ત્યારે એવું લાગે કે આવા ખમતીધર ખેલાડીઓ અચાનક દુર્બળ શી રીતે બની જાય? ક્રિકેટ એ આત્મવિશ્વાષની રમત છે. તમારી સબળ માનસિક પરિસ્થિતિજ તમારા સફળ થવામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપતી હોય છે. કોઈ પણ પ્રકારની નબળાઈ અથવા વિક્ષેપ જયારે રમત ઉપરથી ધ્યાન હટાવી દે ત્યારે ભલભલા ખમતીધર ખેલાડીઓ પણ ભીગી બિલ્લી બની જતા હોય છે. રોહિત અને વિરાટ આ શ્રેણીમાં એવી રીતે બેટિંગ કરતા હતા કે જાણે તેમને પોતાની રમત ઉપર વિશ્વાસજ ના હોય! પણ એથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ હતી કે તેઓ બંને આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં લડાયક રમત રમવા તૈયાર હોય તેવું પણ લાગતું ન હતું! એક હકીકત છે કે રન બનાવવા માટે કાબેલિયત અને અનુભવ સિવાય ફોર્મ અને થોડું નસીબ પણ તમારી તરફેણમાં હોવું જરૂરી છે. કોઈ પણ અનુભવી ખેલાડી, જે પોતાની રમતથી બરાબર વાકેફ છે, તે બખૂબી સમજતો હોય છે કે ફોર્મ ના હોય ત્યારે પણ લડાયક માનસિક પરિસ્થિતી રન બનાવવામાં મદદ રૂપ થાય છે. સચિન તેંડુલકરનું ઉદાહરણ યાદ આવે છે, જયારે તેમણે ઓસ્ટ્રેલિયાની શ્રેણી દરમ્યાન પોતાના પ્રિય તેવા કવર ડ્રાઈવ શોટને રમવાં બંધ કરી સિડનીમાં બેવડી સદી ફટકારી ફોર્મ પરત મેળવ્યું હતું. જે પોતાના માનસ ઉપર કાબુ કરી પોતાના લથડતા ફોર્મને રોકી શકે તે જ ખરો ચેમ્પિયન ખેલાડી! રોહિત અને વિરાટ બેન્નેની રમતમાં આ લડાયક મનોદશાની ખોટ આ શ્રેણી દરમ્યાન વર્તાઈ, જે એક ખુબ અચંબો આપે તેવી વાત છે. તેમના કરતાં બિનઅનુભવી ખેલાડીઓ જયસ્વાલ અને ગિલ વધુ લડાયક દેખાયા. અને આ ભારતીય બેટિંગના વિનાશના ખંડેરમાં જો કોઈ એક સુપરમેન દેખાયો તો તે હતો રિષભ પંત! એમના ક્રિસ ઉપર આગમનથી ભારતની ટીમમાં જુસ્સો આવતો અને પ્રતિસ્પર્ધીની ટીમમાંથી જુસ્સો જતો દેખાયો; અને તે પણ હરેક દાવમાં! તમારી ટીમમાં એવો એક પણ લડાયક ખેલાડી હોય તો ભલભલા મુર્દામાં પણ જાન આવી જાય! પણ આ ભારતીય ટિમ આટલી હદે ફુસકી બની જશે તેવી કલ્પના મેં કદી કરી ન હતી. હાર-જીત રમતનું અભિન્ન પાસુ છે. પણ તેના કારણે લડાયક માનસિકતા છોડી દેવી તે વિજેતાઓની નિશાની નથી. રોહિત અને વિરાટ બંને ક્યાંતો પોતાની પરિસ્થિતિથી અતિ સંતુષ્ટ થઇ ગયા છે અને તેમને હવે બીજા નવા કોઈ ધ્યેય દેખાતા નથી. અથવાતો તેમનું લક્ષ્ય તેમની ટેસ્ટ ક્રિક્ર્ટની કારકિર્દી થી હટી ગયું છે. આજના ભારતના ક્રિકેટરોની આર્થિક પરિસ્થિતિ એવી છે કે તેમને હવે પોતાના દેશ માટે તેમની કાબેલિયતને વારંવાર પુરવાર કરવાની જરૂર નથી! એક રીતે આ આર્થિક પરિવર્તન ખુબ આવકારદાયક છે; ખાસ કરીને જયારે હું આપણા ઘણા ભૂતપૂર્વ ચેમ્પિયન ખેલાડીઓ વિષે વિચારું કે જેમણે ખુબ ઓછા વેતનમાં પણ દેશની ટિમ માટે લડાયક રમત બતાવી અને નિવૃત્તિ બાદ ખુબ પાંગળી આર્થિક પરિસ્થિતિમાં જીવન વિતાવ્યું. આજના ખેલાડીઓના ભરેલા ખિસ્સાઓ સામે કોઈ આપત્તિ નથી પણ હકીકત છે કે ભરેલા પેટે મરણિયાના બનાય! અને ભારતની ટીમમાં રમવું હોય તો જેમની મરણિયા બનવાની શક્તિ ક્ષીણ થઇ ગયી હોય, શારીરિક યા માનસિક રીતે, તેમને ક્યાં તો પોતે સામેથી રાજીનામુ આપી દેવું જોઈએ ક્યાં તો ટીમના પસંદગીકારોને અઘરા નિર્ણય લેવામાં કોઈ આપત્તિ ના હોવી જોઈએ. જોકે, બીજે પક્ષે એમ પણ વિચારવું જોઈ કે વરિષ્ઠ ખેલાડીઓની માનસિક પરિસ્થિતિમાં આવા બદલાવ આવવાનું કોઈ બીજુતો કારણ નથી ને?
ભારતના નવા કોચ ગૌતમ ગંભીરના આગમન સાથે આવા પરિણામો આવવા તે શું એક સંયોગ જ છે? હું જરૂર તેવી આશા રાખું છું કે આ એક ખરાબ તબક્કામાંથી ટિમ પસાર થઇ રહી છે જે બધીજ ટીમોને ક્યારે ને ક્યારે અનુભવવું પડતું હોય છે. ગંભીર એક કોચ તરીકે ઘણા અનુભવી ના કહેવાય. તેમનો અનુભવ IPL ટિમો પૂરતો સીમિત છે; આંતરરાષ્ટ્રીય અનુભવ નથી. પણ IPLમાં તેમની છબી ઘણી સુદ્રઢ છે માટે અપેક્ષા રાખીયે કે તેઓ ભારતની ટિમના આ બદલાવના તબક્કાને સાચવી લેશે. પણ તેમની પસંદગી ક્રિકેટ કરતા રાજકીય કારણોથી થઇ હોય તેમ વધારે લાગે છે. શું તેમના આવવાથી ટિમની અંદરના સંગઠન ઉપર કોઈ અસર થઇ છે? કદાચ ટીમના વરિષ્ઠ ખેલાડીઓ સાથે તેમને તાદાત્મ્ય સાધતા થોડો સમય લાગશે? ગંભીર સ્વભાવે થોડા તીખા અને પોતાની મનમાની કરે તેવા લાગે છે. ભારતની ટીમને આવા કોચનો આ પહેલા પણ અનુભવ થઇ ગયો છે અને તે તબક્કો ભારતની ક્રિકેટ ટીમના પરિણામો માટે એક અધોબીન્દુ સમાન હતો. હું ગ્રેગ ચેપલના સમયની વાત કરું છું. આંતરરાષ્ટ્રીય સ્તરે, કોઈ પણ ખેલાડી સાથે એક નવોદિત ખેલાડી જેવી વર્તણુક કરવાની ના હોય. આ ખેલાડીઓ પોતાની રમત જાણતા હોય ત્યારેજ આ સ્તર સુધી પહોંચ્યા હોય. મારુ કહેવું એમ નથી કે અત્યારે ભારતની ટિમ માં આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પહેલા કહ્યું તેમ, હું અને તમે, સાચી પરિસ્થિતિ થી એટલા દૂર છીએ કે આવી વાતો એક માત્ર અટકળ જ બની રહે છે. આટલા અંતરથી આપણે એટલીજ પ્રાર્થના કરીએ કે ટીમનું સંગઠન, જે ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીના સમયમાં હતું અને જેના કારણે ટિમ ઓસ્ટ્રેલિયામાં ખુબ મુશ્કેલભરી પરિસ્થિતિમાં પણ લડાયક રમત રમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી લાવી હતી, તેવી ફરીથી બની જાય. ખાસ કરીને આવતા બે મહિના દરમ્યાન ક્રિક્ર્ટનો આ મહા સંગ્રામ ઓસ્ટ્રેલિયામાં ફરી ખેલાશે.
આ વખતે ભારતમાટે મુશ્કેલીઓ ઘણી વધુ હશે કારણકે પ્રતિસ્પર્ધી છેલ્લી બે શ્રેણીઓના પ્રતિકૂળ પરિણામથી ઘાયલ છે અને બદલો લેવા ખુબ તત્પર છે. આવા સમયમાં, ભારતની ટીમે પોતાની સર્વોત્તમ રમત પ્રદર્શિત કરવી પડશે. જોકે મારા જેવા ઘણા ભારતના ક્રિકેટ રસિકોને આ ન્યૂઝીલૅન્ડની શ્રેણી નું પરિણામ એક એન્ટીક્લાઈમેક્સ જવું લાગતું હશે. અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ શરુ થાય તે પહેલા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી લાગણી પણ થતી હશે! આપણે આશા રાખીએ કે ભારતના કુમ્ભકરણની જેમ ઊંઘતા બેટધરો જાગૃત થઇ અને ઓસ્ટ્રેલિયાને લડાયક રમત આપશે. હું નથી માનતો કે ભારત આ વખતે સતત ત્રીજી શ્રેણી ઓસ્ટ્રેલિયામાં જીતશે. પણ આશા એવી છે કે કમ સે કમ બે ટેસ્ટ જીતે. તો શ્રેણી હારે તો પણ દુઃખ નહિ થાય. જો ભારતની ટિમ જલ્દીથી સંગઠિત નહિ બને તો પરિણામ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં કદાચ 5-0 પણ આવી શકે છે. તો મારે ફરી ગાવું પડશે કે… નતીજા ઠનઠન ગોપાલ!!
Leave a comment